રાકેશ અસ્થાનાએ અમેરિકામાં રોકાણ કર્યું હતું તેની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. સુરતનાં બે પોલીસ અધિકારીઓ તપાસના સાણસામાં આવી શકે છે. રાકેશ અસ્થાના અંગે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે તેમાં ડિપ્લોમેટીક વિઝા પર અમેરિકાની મુલાકાત લેવાની બાબતનો પણ સમાવેશ થઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સીબીઆઈના સૂત્રો મુજબ આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્વ મજબૂત પુરાવા એકત્ર કરવા માટે મહિના પહેલા સીબીઆઈની ટીમને ગુજરાત મોકલી હતી. સીબીઆઈના અધિકારીઓએ વડોદરા અને સુરતમાં ગુપ્ત રાહે તપાસ કરી વિગતો અને પુરાવા અકત્ર કર્યા હતા. આ પુરાવાને લઈ દિલ્હી રવાના થયા હતા. લાંચ કેસ ઉપરાંત રાકેશ અસ્થાના વિરુદ્વ આવક કરતા વધું ખર્ચ કરવાની પણ તપાસ ચાલી રહી છે.
સૂત્રો મુજબ રાકેશ અસ્થાનાને બે સંતાન છે. પુત્ર અંકૂશ અને પુત્રી અપેક્ષા છે. પુત્રી અપેક્ષાના લગ્નનું રિસેપ્શન વડોદરામાં યોજવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે આ રિસેપ્શનમાં અનેક મોટા માથાઓ હાજર રહ્યા હતા અને લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હોટલના બીલ પણ બારોબાર આપવામાં આવ્યા હતા. સીબીઆઈની ટીમે રિસેપ્શનમાં જોડાયેલા કેટરર્સની પુછપરછ કરી હતી.
સૂત્રો મુજબ 2016ના જૂન-જૂલાઈ મહિના દરમિયાન રાકેશ અસ્થાનાએ અમેરિકાની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાં વોશિંગ્ટન ડીસીની હોટલ હયાત રેજન્સી ઓન કેપિટલ હીલમાં રોકાયા હતા. અમેરિકામાં રોકાણની નિયત મુદ્દત કરતા તેઓ 20 દિવસ વધુ રોકાયા હતા. આ હોટલનું રોજનું ભારતીય ચલણ પ્રમાણેનું ભાડું એક લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત તે સમયે તેઓ જે જેકેટ પહેરતા હતા તે જેકેટની કિંમત એક લાખ રૂપિયા સુધીની આંકવામાં આવે છે.
સૂત્રો મુજબ અસ્થાના પોતે એક વૈભવી લાઈફ સ્ટાઈલ સાથે જીવવામાં માનનારા અધિકારી છે. આજે સીબીઆઈ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં તેમની લાઈફ સ્ટાઈલ અને ખર્ચાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. અઢી લાખ રૂપિયા કરતાં વધારાનો પગાર ધરાવતા રાકેશ અસ્થાનાના લખલૂંટ ખર્ચ અંગે સીબીઆઈના અધિકારીઓ ગૂપચૂપ ગુજરાત આવી તપાસ કરી રહ્યા છે. આલોક વર્માએ રાકેશ અસ્થાના ફરતે કાયદાનો ગાળીયો મજબૂત કરવા માટે તપાસને તે સમયે જાતે મોનીટરીંગ કરી હતી.