આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યાથી તલાક લેવાની અરજી અંગે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. શનિવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેજપ્રતાપે કહ્યું કે હા, આ સાચું છે કે મેં અદાલતમાં અરજી કરી છે. ગૂંગળાઈ-ગૂંગળાઈને જીવવાનો કોઈ ફાયદો નથી. તેજપ્રતાપે ગઈકાલે સ્થાનિક કોર્ટમાં ડિવોર્સ એપ્લીકેશન ફાઈલ કરી છે.
તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન 6 મહિના પહેલા થયા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ તેજપ્રતાપ અને ઐશ્વર્યા પાછલા ચાર મહિનાથી સાથે રહી રહ્યા નથી. મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેજપ્રતાપે આનો કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું કે તે કૃષ્ણાવતારમાં રહેવાં માંગે છે. ઐશ્વર્યા રાધા બની શકી નહીં. ઐશ્વ્રર્યાએ પટના શાળાકીય અભ્યાસ કર્યો છે અને દિલ્હીથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશની ડિગ્રી હાંસલ કરી છે. જ્યારે તેજપ્રતાપ માત્ર 12મી પાસ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક દિવસ પહેલાં પણ તેજપ્રતાપે ડિવોર્સની અરજી આપી હતી પરંતુ ટેક્નિકલ કારણોસર આ અરજીનો સ્વીકાર થયો ન હતો. ત્યાર બાદ ગઈકાલે તેમણે નવી અરજી દાખલ કરી હતી. કોર્ટના ફાઈલીંગ સેક્શને જરૂરી કાર્યવાહી માટે તેને ફોરવર્ડ કરી છે.
તેજપ્રતાપ પોતાને કૃષ્ણ અને શિવ ભક્ત બતાવે છે. તેઓ મથુરા અને દેવધર ખાતે રહે છે. 12મી મે-2018માં તેજપ્રતાપે પોતાના વૈવાહિક જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્વિ લાવવા માટે કુષ્ણાવતારનું મંચન કરાવ્યું હતું. લગ્ન બાદ તેમના માતા રાબડી દેવી ઘરે આવ્યા હતા અને 13મી મેના રોજ બાંકે બિહારી શિવ મંદિરમાં કૃષ્ણલીલાનું મંચન કરાવ્યું હતું.