સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું આજે વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ 2014ના વર્ષમાં ચૂંટણી પહેલા તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે તેમણે જ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ ભાષણની શરૂઆત ‘સરદાર પટેલ અમર રહે,’ ‘દેશની એકતા ઝિંદાબાદ’ના નારા સાથે કરી હતી.
મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, “આજનો આ દિવસ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે. જેને મીટાવી શકવો મુશ્કેલ છે. ધરતીથી લઈને આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે એટલું જ નહીં ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે.”
“ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે આ વિચાર આવ્યો હતો ત્યારે મને માલુમ ન હતું કે વડાપ્રધાન તરીકે મને જ આ પ્રતિમાનું અનાવરણ કરવાનો મોકો મળશે. હું ધન્ય થયો છું. ગુજરાતે મને જે અભિનંદન પત્ર આપ્યો છે તેના માટે પણ હું ગુજરાતની જનતાનો ખૂબ આભારી છું.”
સરદારની આ પ્રતિમા ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને સાહસ, સંકલ્પ, સામર્થ્યની યાદ અપાવશે. આ લોહ પુરુષે ભારતના ટુકડા કરવાના ષડયંત્રનો પદાર્ફાશ કરીને ભારતને એક કર્યું હતું. સરદારનું સામર્થ્ય એ સમયે કામ આવ્યું હતું જ્યારે મા ભારતી 550થી વધારે રજવાડાઓમાં વહેંચાયેલી હતી. નિરાશાવાદીઓને ત્યારે લાગતું હતું કે ભારતી તેમની વિવિધતાના કારણે જ વિખેરાય જશે. નિરાશાના એ જમાનામાં પણ તમામને આશાનું એક કીરણ દેખાતું હતું. આ આશાનું કિરણ હતા સરદાર વલ્લ્ભભાઈ પટેલ હતા.”
“5 જુલાઈ, 1947 રજવાડાઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે વિદેશી આક્રમણખોરોને સામે આપણા પરસ્પરની ઝઘડાઓ અને વેર ભાવ આપણા હારનું મોટું કારણ હતું. આપણે હવે આ ભૂલને દોહરાવવી નથી. આપણે હવે કોઈનું ગુલામ બનવું નથી. સરદારના નિવેદન બાદ રાજા-રજવાડાઓએ પોતાનું સાશન છોડ્યું હતું. આપણે રાજા-રજવાડાઓને ભૂલવા નથી.”
અખંડ ભારત માટે રાજા-રજવાડાઓના ત્યાગ અંગે જણાવતા મોદીએ કહ્યું હતું કે, “મારી ઈચ્છા છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટિના સ્થળે જ દેશ માટે રાજ છોડનારા રાજા-રજવાડાઓનું એક વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવે. કારણ કે આપણે તેમના ત્યાગ અને બલિદાનને ભૂલવા નથી માંગતા. સામાન્ય તાલુકાના એક સભ્યને પણ પદ છોડવું મુશ્કેલ લાગતું હોય તો આ લોકોએ તો શાસન છોડી બધું દેશને અર્પણ કરી દીધુ હતું.”
સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ વિશે વાત કરતા મોદીએ કહ્યું કે, “જો તેમણે એ સમયે સંકલ્પ ન લીધો હોતો તો, આજે ગીરના સિંહને જોવા માટે, શિવ ભક્તોએ સોમનાથમાં પૂજા કરવા માટે, હૈદરાબાદને ચાર મિનારને જોવા માટે આપણે વિઝા લેવા પડતા. કાશ્મીરથી કન્યાકુમારીની સીધી ટ્રેનની કલ્પના પણ ન કરી શકાતી. સરદાર સાહેબે સંકલ્પ ન કર્યો હોત તો સિવિલ સેવા જેવો ઢાંચો તૈયાર કરવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડતી.
“સરદારની પ્રતિમા નવા ભારતના નવા આત્મવિશ્વાસની અભિવ્યક્તિ છે. ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારા લોકોને એ વાત યાદ અપાવવા માટે આ પ્રતિમા છે કે ભારત શાશ્વત હતું, ભારત શાશ્વત છે અને ભારત શાશ્વત રહેશે.”
“ખેડૂતોની યાદમાં છે જેમણે સરદારની પ્રતિમાને બનાવવા માટે પોતાના ઓઝારો આપ્યા હતા. આદિવાસીઓના યોગદાનનું સ્મારક છે, જેમણે દેશની વિકાસયાત્રામાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું છે.આ પ્રતિમા દેશના યુવાનોને એ વાત યાદ અપાવવા માટે પણ છે કે ભવિષ્યનું ભારત તમારી આકાંક્ષાઓનું છે જે આટલી જ વિરાટ છે.”
“સરદારની પ્રતિમાથી આદિવાસીઓને રોજગારી મળશે. પ્રકૃતિએ તમને જે સોંપ્યું છે તે આધુનિક રીતે કામ આવશે. દેશે જે જંગલો વિશે કવિતાઓ સાંભળી હતી તેના વિશે આખી દુનિયા તેનો સાક્ષાતકાર કરશે. લોકો સરદાર સરોવર ડેમ અને પર્વતોના દર્શન પણ કરી શકશે. વેલી ઓફ ફ્લાવર્સ બનાવવા માટે ગુજરાત સરકારનું પ્રશંસા કરું છું. હું ઇચ્છું છું કે અહીં એક એકતા નર્સરી બનાવવામાં આવે. દરેક વ્યક્તિ અહીંથી એક વૃક્ષ લઈને ઘરે જાય.”
આ પ્રસંગે ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ જોયેલું સપનું સાકાર થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણને લઈને આખા ગુજરાતને ગર્વ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીને એક અભિનંતન પત્ર અર્પણ કર્યો હતો. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ માટે જે લોખંડ એકઠું કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ એક હથોડો પ્રાપ્ત થયો હતો. આ હથોડાને મોદીને અર્પણ કરવામાં આવ્યો હતો.