જૂનાગઢમાં મહિલા ASI તરીકે તરીકે ફરજ બજાવી રહેલી કિરણ જોશીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. સાસરીયાઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે પણ પોલીસ હત્યા પાછળના અન્ય એંગલ પર પણ તપાસ કરી રહી છે કે કિરણની હત્યા ખરેખર ક્યા કારણોસર કરવામાં આવી છે.
રવિવારે રાત્રે જૂનાગઢમાં આ ઘટના અંગે લોકોને ખબર પડતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પ્રમાણે આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતી 41 વર્ષીય કિરણ જોશી જૂનાગઢના મધુરમ વિસ્તારમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી.
કિરણ જોશીના ભાઈ મહેશ જોશીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું કે તેની બહેનની હત્યા પાછળ પતિ પંકજ વેગડા, દિયર દીપક વેગડા, સાસુ રસીલા વેગડા અને સસરા ભવાની વેગડાનો હાથ છે. આ તમામ દ્વાર કિરણની પ્રોપર્ટીને હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને આ કારણોસર જ કિરણને મારી નાંખવામાં આવી છે.
ડીવાયએસપી એચ.એસ.રત્નુએ મીડિયાને જણાવ્યું કે કિરણ જોષીનો પતિ લાપતા છે. જ્યારે પોલીસે ફરીયાદમાં ઉલ્લેખ કરાયેલા આરોપીઓની પુછપરછ શરૂ કરી છે. કિરણની રવિવારે મોડી રાત્રે તેના ઘરે તિક્ષ્ણ હથિયારથી ઘા કરી હત્યા કરવામાં આવી છે. કિરણના ગળાના ભાગે તથા પેટના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. કિરણ પર ગાડી અને અન્ય સંપત્તિ સાસરીયાઓના નામે કરવા માટે પ્રેશર કરી રહ્યા હતા.
કિરણના ભાઈ મહેશ જોશીએ આરોપ મૂક્યો છે કે પતિ પંકજે કિરણના 35 તોલા ઘરેણાં ગીરવે મૂકી બેન્કમાંથી લોન લીધી હતી. કિરણ તેના હપ્તા ભરી રહી હતી. કિરણની પ્રોપર્ટીને ઓહિયા કરી જવા માટે તેની હત્યા કરી દેવામાં આવી છે. મહેશ જોશીએ સનાસનાટીપૂર્ણ આરોપ મૂક્યો હતો કે જેઠ દ્વારા કિરણ પર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. આ અંગે ફરીયાદ પણ કરવામાં આવી હતી પરંતુ એક પોલીસની ફરીયાદ પણ પોલીસે સાંભળી નહી અને આજે મારે મારી બહેનને ગુમાવવી પડી છે.