ગુજરાતમાં દિવસે-દિવસે બગડતી રાજકીય સ્થિતિના અનુસંધાને વડાપ્રધાન મોદી ગુજરાત વહેલા આવશે. તેઓ 30મી ઓક્ટોબરે રાત્રે જ અમદાવાદ આવી જવાના હોવાની માહિતી મળી રહી છે.
ગુજરાત સરકાર સામે કોઈકને કોઈક રીતે આંદોલનો ચાલી રહ્યા છે. ગુજરાત ભાજપની નેતાગીરી તમામ આંદોલનને થાળે પાડવામાં નાકામ રહી છે. એક રીતે કહીએ તો સરેઆમ નિષ્ફળ રહી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની ત્રિપુટીના રાજમાં ભાજપનો ગ્રાફ ચઢવાના બદલે સતત ડાઉન થઈ રહ્યો છે.
ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપની સ્થિતિને લઈ ચિંતામાં છે. તાજેતારમાં પરપ્રાંતીયો પર હુમલા, પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓના આંદોલનો, દુષ્કર્મની બની રહેલી ઘટનાઓના કારણે ભાજપ માટે મોડેલ સ્ટેટ ગણાતું ગુજરાત આજે વેરણછેરણ થઈ ગયું છે. ખાસ કરીને ખેડુતો અને આદિવાસીઓએ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમનો બહિષ્કાર કરવાના એલાનથી વડાપ્રધાન મોદી ખાસ્સા હતોત્સાહિત થયા હોવાની જાણકારી મળી રહી છે.
વડાપ્રધાન મોદી 31મી તારીખે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. તેમના કાર્યક્રમમાં છેલ્લા દિવસોમાં ફેરફાર થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી નવી દિલ્હીથી એરફોર્સના વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે અને અમદાવાદથી તેઓ ગાંધીનગર રવાના થશે. બીજા દિવસે એટલે કે 31મીએ તેઓ ગાંધીનગરથી વાયા હેલિકોપ્ટર કેવડીયા જશે. કેવડીયાથી પ્રોગ્રામ આટોપી તેઓ અમદાવાદ પરત આવશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ભાજપ દ્વારા કાઢવામાં આવેલી એકતા યાત્રા સફળ રહી નથી. તેની પણ પીએમઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. સરદાર પટેલના સ્ટેચ્યુને લઈ સામાજિક રાજકારણ પણ ગરમાયું છે.
લોકસભાની ચૂંટણી ઢૂંકડી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ક્ષીર્ણ-વિક્ષીર્ણ થયેલા સામાજિક તાણાવાણાને ભાજપ તરફે વાળવાનું કામ ગુજરાતની નેતાગીરીના બદલે સીધી રીતે વડાપ્રધાન મોદીએ માથે લેવું પડે તેની નોબત આવી ગઈ છે. સૂત્રો કહી રહ્યા છે કે વડાપ્રધાનનું ગુજરાત વહેલું આવવાનું કારણ સામાજિક ડખો પણ હોઈ શકે છે.