હાર્દિક પટેલે ફેસબુક પર લાઈવ થઈ 31મી તારીખે વંથલી ખાતેના ખેડુત સત્યાગ્રહના કાર્યક્રમ બાબતે લોકોને જોડાવા માટે આહવાન કર્યુ હતું. સાથે સાથે હાર્દિકે પોતાના પર દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો તેનું નામ લીધા વગર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જ્યારે-જ્યારે આવી રીતે કોઈ કાર્યક્રમ હોય છે ત્યારે તેને નિષ્ફળ બનાવવાના પ્રયાસ થાય છે, પણ આપણે ખેડુતોના હિતમાં કાર્યક્રમને સફળ બનાવીએ.
હાર્દિકે કહ્યું કે જો નરેન્દ્ર મોદી પોતાના સ્વાર્થ માટે 182 ફૂટની મૂર્તિ બનાવી શકતા હોય તો અમે પણ 10 ફૂટની મૂર્તિ બનાવી છે. ભાજપ દ્વારા કાઢવામાં આવેલી એકતા યાત્રામાં સરદાર સાહેબની મૂર્તિઓને રઝળતી મૂકી દેવામાં આવી છે. એકતા યાત્રા માત્ર ચૂંટણીલક્ષી છે.
હાર્દિકે કહ્યું કે જે જૂ નાગઢના નિઝામ અને નવાબને ડરાવીને જૂનાગઢને ભારત સાથે જોડયું તે વંથલીમાં સરદાર પટેલની જયંતિએ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જુદા-જુદા સંગઠનો દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ખેડુતો માટેનો કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમમાં યશવંતસિંહા અને શત્રુઘ્નસિંહા હાજર રહેશે. પાટીદારોને કેવી રીતે અનામત મળે તે અંગે સંકલ્પ કરવામાં આવશે.
તેણે કહ્યું કે ખેડુતોને મજબૂત કરવા માટે જૂનાગઢના વંથલીમાં સત્યાગ્રહ કરવામાં આવશે. અલ્પેશ કથીરીયા જેવા નિર્દોષ યુવાનને છોડવવા માટેનો સંકલ્પ કરવામાં આવશે,. મારે કોઈના વિરુદ્વમાં બોલવાની જરૂર નથી. સુરતમાં જનરલ ડાયરના પ્રોગ્રામ વખતે પણ સમાજને ગૂમરાહ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે વંથલીના પ્રોગ્રામને નિષ્ફળ બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાર્દિકે કહ્યું કે જે ફોટોમાં ડાન્સ કરતો દર્શાવાયો છે એ ખરેખર ગરબા છે અને માતાજીનો ગરબો છે. ગરબાથી પોતાના સુખ-દુખથી પ્રફુલ્લિત થવાય છે. સમાજને તોડવા માટે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આંદોલનને તોડવાના પ્રયાસો થતા રહે છે. ખેડુતોના હિત અને અધિકારની વાત કરીએ છીએ. 182 ફૂટની મૂર્તિ એ વ્યક્તિગત સ્વાર્થ સાધવાની મૂર્તિ છે. ચૂંટણી ટાણે વ્યક્તિગત સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.