CBIના ડાયરેક્ટર આલોક વર્માના અધિકારો પરત ખેંચી તેમને રજા પર મોકલી આપવાની વિરુદ્વમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીટીશન અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યા કે રિટાયર્ડ જજ એ.કે. પટનાયકની નિગરાની હેઠળ આલોક વર્મા વિરુદ્વના આરોપોની તપાસ સીવીસી તપાસ કરવામાં આવશે. આ અંગે કોર્ટે બે સપ્તાહની મુદ્દત આપી છે.
કોર્ટે સીવીસીને સમગ્ર મામલાની તપાસ માટે 10 દિવસનો સમય આપ્યો હતો. ત્યાર બાદ કોર્ટે તેમને અઠવાડિયાની મુદ્દત આપી હતી. કોર્ટે કહ્યું કે CBIના હંગામી ડાયરેક્ટર આગળની સુનાવણી સુધી કોઈ પણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં.
કોર્ટે સાથે સાથે CBIના ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓનું લિસ્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનું જણાવ્યું હતું. CBI વિવાદ પર હવે પછીની સુનાવણી 12મી નવેમ્બરે કરવામાં આવશે.
અત્રે જણાવી દઈએ કે આ પૂર્વે CBIએ આલોક વર્મા પાસે રાફેલ ડીલની ફાઈલો હોવાનો ઈન્કાર કર્યો હતો. ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યો હતો કે આલોક વર્માને ખસેડી લેવા પાછળ રાફેલ ડીલની તપાસ જવાબદાર છે. રાફેલ કૌભાંડમાં તપાસ નહીં થાય તે માટે વર્માને CBIમાંથી ખસેડી લેવામાં આવ્યા છે.