પાટીદાર અનામત આંદોલન સમિતિને છોડી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે ગત રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી પાટીદાર શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી આપવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને પાસના અગ્રણીઓએ રિએકશન આપ્યા છે. રિએકશન આપનારાઓમાં ધારાસભ્ય લલિત કગથરા, દિનેશ બાંભણીયા અને દિલીપ સાબવનો સમાવેશ થાય છે.
ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે રેશ્મા પટેલ જે પત્ર લખ્યો છે તેમાં સામાજિક ભાવના હોય તો તેને આવકાર આપી. હવે વરુણ પટેલે પણ સમજી લેવાની જરૂર છે કે ભાજપે માત્ર તેમનો ઉપોયગ જ કર્યો છે. જે ભાજપ પોતાના બાપ કેશુભાઈ પટેલની કદર ન કરી શકતો હોય, વેકરીયા, વલ્લભ કથીરીયાની કદર ન કરી શકતો હોય તો તે રેશ્મા પટેલ કે વરુણ પટેલની શું કદર કરશે.
તેમણે કહ્યું કે ભાજપે રેશ્મા પટેલનો ઉપયોગ પાસના યુવાનો વિરુદ્વ અને સમાજની સામે નિવેદન કરવા માટે જ કર્યો છે.
પાસના અગ્રણી દિનેશ બાંભણીયાએ કહ્યું કે માત્ર રાજકીય એજન્ડા કે સ્વાર્થ માટે રેશ્મા પટેલે લેટર લખ્યો તો તેને સમર્થન આપી શકાય નહી. શહીદોના પરિવારની ભાવનાનો પડઘો પાડ્યો તો તેને આવકારવો જોઈએ. ભાજપવાળા કહેતા હતા કે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે પણ હવે ભાજપના જ લોકો કહે છે કે ભાજપે કશું કર્યું નથી. અલ્પેશ કથીરીયા જેવા યુવાન પર અત્યાચાર થાય છે. આ બધું સરકારની આપખુદશાહી દર્શાવે છે.
પાસના અન્ય એક અગ્રણી દિલીપ સાબવાએ કહ્યું કે એક વર્ષ સુધી રેશ્મા પટેલ ક્યાં હતા. કેટલાય યુવાનો જેલમાં ગયા, શહીદ થયા પણ સરકાર દોષિતો સામે કાર્યવાહી કરી રહી નથી. જો રેશ્મા પટેલ સાચી રીતે સરકાર સામે લડી રહ્યા છે તો તેમને સમર્થન આપીએ.