અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ ચાલી રહેલી ચર્ચામાં ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવે મોટું નિવેદન આપ્યું છે. રાવે કહ્યું કે મોદી સરકાર અને ભાજપ રામ મંદિર નિર્માણને લઈ પ્રતિબદ્વ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે. રાવે કહ્યું કે ભાજપના નેતાઓના એક વર્ગે મંદિર પર કાયદો અને અધ્યાદેશ લાવવાની માંગ કરી હતી, પાર્ટી તેમની લાગણીને સમજે છે.
તેમણે કહ્યું કે જ્યાં સુધી રામ મંદિર નિર્માણનો મુદ્દો છે ત્યાં સુધી અમારી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. અમે હંમેશાથી ભવ્ય મંદિર નિર્માણની તરફેણમાં છીએ પરંતુ કોર્ટના માધ્યમથી ફેંસલો થાય અથવા બન્ને સમાજના લોકો વચ્ચે સમજૂતી દ્વારા નિરાકરણ થાય ત્યાં સુધી મંદિર નિર્માણનો માર્ગ મોકળો થશે નહીં. જેથી કરીને સુપ્રીમના ફેંસલા સુધી પ્રતીક્ષા કરવાની રહે છે.
તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે કેટલાક લોકો રાજનીતિના કારણે મંદિર નિર્માણને વગર કારણે વિલંબિત કરી રહ્યા છે. રામ મંદિર નિર્માણનું કાર્ય જલ્દી થાય તેના માટે સરકારે સંસદમાં કાયદો પસાર કરવો જોઈએ. શિવ સેનાએ પણ સરકારને ચેતવણી આપી છે કે મંદિર નિર્માણને જલ્દી પૂર્ણ કરવામાં આવે.