છત્તીસગઢમાં 12મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે અનેક મંત્રી અને ધારાસભ્યોની ટીકીટ કાપી નાંખી છે. હાલ 77 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. 14 ધારાસભ્ય અને હાલના મંત્રીની પણ ટીકીટ કાપી લેવામાં આ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવનાર છે.
છત્તીસગઢ ઉપરાંત ભાજપે મિઝોરમ અને તેલંગાણા માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પીએમ મોદી, રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ, રાજનાથસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રાજસ્થાન,મધ્યપ્રદેશની ચૂંટણી માટેના ઉમેદવારો હવે પછી જાહેર કરવામાં આવશે.
છત્તીસગઢમાં કુલ 90 બેઠક છે. 77ની પ્રથમ યાદીમાં 14 ધારાસભ્યોને કાપી નાંખવામાં આવ્યા છે અને 14 મહિલાઓને ટીકીટ આપવામાં આવી છે. છત્તીસગઢનો જંગ ભાજપ માટે પ્રતિષ્ઠાનો છે. સીએમના ઉમેદવાર તરીકે રમણસિંહને જ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.
આ અંગે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સાંસદ વિક્રમ ઉસેન્ડી બસ્તર વિસ્તારની અંતગઢ બેઠક પરથી ચૂંટણી લડશે, તેમજ તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા પૂર્વ રાયપુર કલેક્ટર એસ.પી. ચૌધરી ખરસૈયા બેઠક પરથી ચૂંટણી લડશે.
જે ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે તેમાં રામશીલા સાહુ (મંત્રી), યુધવીરસિંઘ જુદેવ, સુનિતા રાઠિયા, વિદ્યારતન ભાસિન, રાજુ કઠરિયા, ભોજરામ નાગ અને નવીન મુર્કેન્ડેનો સમાવેશ થાય છે.
છત્તીસગઠમાં 12મી નવેમ્બરના રોજ નક્સલ પ્રભાવિત 18 બેઠક માટે ચૂંટણી યોજાશે. જ્યારે બાકીની 72 બેઠક માટે 20મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 11મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. 2013ના વર્ષમાં છત્તીસગઢમાં ભાજપને 49 બેઠક, કોંગ્રેસને 39 બેઠક તથા બસપા અને એક અપક્ષને એક-એક બેઠક મળી હતી. આ વખતે પણ ભાજપે રમણસિંહને પ્રોજેક્ટ કરી ફરી સત્તા હાંસલ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે.