મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને છોડી દેતા હવે સિનિયર અને જૂનિયર વાઘેલા શું કરશે તેના પર સૌની મીટ મંડાઈ છે ત્યારે ગુજરાતમાં બાપુ NCPને રિવાઈવ કરશે તેવી અટકળો ગરમ થઈ છે. શંકરસિંહ વાઘેલા NCP આગમનની અટકળો વચ્ચે NCPના ગુજરાત પ્રમુખ જયંતિ પટેલ(જયંતિ બોસ્કી)એ અલગ ચોકો ઉભો કરી દીધો છે.
જયંતિ બોસ્કીએ NCPના જિલ્લાવાર પ્રમુખોની જાહેરાત કરવા માંડી છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો પોરબંદર, નવસારી, ખેડા કે આણંદ જેવી બેઠકો માંગવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સ્થિતિમાં બાપુના NCP પ્રવેશની ઘડીઓ ગણવામાં આવી રહી છે.
હવે સ્થિતિ જોઈએ તો બાપુને બોસ્કી પહોંચી વળે તેમ નથી. બાપુએ શરદ પવારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ગુજરાતમાં NCPને એકલા હાથે ઉભી કરશે. NCPના ઉમેદવારોનો ખર્ચ પણ બાપુ એકલા હાથે ઉઠાવશે. આવી ચર્ચાઓ જોતાં બોસ્કીએ પાણી પહેલાં જ પાળ બાંધવાની શરૂ કરી દીધી અને બાપુ આવે તે પહેલા પોતાની રીતે સંગઠનનું માળખું તૈયાર કરી ધડાધડ જાહેરાત કરવા માંડી છે.
NCPમાં બાપુને હંફાવવનો આ રીતનો તરીકો અપનાવાયો હોવાનું લાગે છે. પણ બાપુની રાજકીય કૂનેહ આગળ બોસ્કીનો પનો ટૂંકો પડશે એવું જાણકારો કહી રહ્યા છે. બોસ્કીએ ભલે જાહેરાતો કરી હોય પણ બાપુ આવે તો વાવાઝોડું સાથે લાવશે એવી ગણતરી સાથે લોકસભાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બાપુની ઈચ્છા મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસ- NCP ગઠબંધનમાં આવનારી એક બેઠક પરથી લડાવવાની છે. મહેન્દ્રસિંહની રાજકીય કરિયરને બાપુ ફરી એક વખત પાટે ચઢાવવા માંગી રહ્યા છે. જૂનિયર વાઘેલાને એવું હતું કે ભાજપ જોઈન કરતાં ત્યાં કદર થશે અને ભાજપ કોઈ રીતે પદોન્નતિ કરી સાચવશે પરંતુ એવું બન્યું નહીં અને જૂનિયર લીલા તોરણે ભાજપમાંથી પરત ફર્યા છે.