ઉત્તર ગુજરાતના બાયડ સીટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતા શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને છોડ્યા બાદ તેમણે પણ કોંગ્રેસ છોડી દીધી હતી અને બહુ ટૂંકા સમયમાં જ તેમણે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સાતમી જુલાઈએ અચાનક ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ 18મી ઓક્ટબર એટલે કે ગઈકાલે ભાજપમાંથી પણ અચાનક રાજીનામું ધરી દેતા ભાજપની નેતાગીરી ફિક્સમાં મૂકાઈ જવા પામી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની નિષ્ફળતાની ચર્ચા ભાજપમાં શરૂ થઈ જવા પામી છે.
જૂનિયર વાઘેલા ભાજપમાં જતા રહેતા સિનિયર વાઘેલાએ મોટાપાયા પર પોતાની નારાજગી દર્શાવી હતી. સિનિયર વાઘેલાએ જૂનિયરને વારસામાંથી બેદખલ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. સિનિયર વાઘેલાએ કહ્યું હતું કે જૂનિયર વાઘેલા મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવો જોઈએ.જો મહેન્દ્રસિંહ નિર્ણય નહીં બદલે તો પુત્ર સાથે તમામ રાજકીય સંબંધો તોડી નાંખશે.
પરિવારમાં સતત વિરોધનો સામનો કરી રહેલા મહેન્દ્રસિંહને ભાજપ પણ સાચવી શક્યું નહીં. ભાજપના પ્રદેશ નેતાઓએ મહેન્દ્રસિંહને કોરાણે મૂકી દીધા હતા. તેમના તરફ સતત દુર્લક્ષ સેવવામાં આવતું હોવાનું જૂનિયર વાઘેલાના નિકટનો લોકોએ જણાવ્યું છે. મહેન્દ્રસિંહે અંગત કારણ જવાબદાર હોવાનું લખી સંક્ષિપ્તમાં રાજીનામું લખીને મોકલી આપ્યું છે. પણ ભાજપમાં અવગણના અને પરિવારના વિરોધ વચ્ચે મહેન્દ્રસિંહ પાસે ભાજપ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પાછલા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલાએ ભાજપ તરફ કડક વલણ ધારણ કર્યું છે. ચર્ચા મુજબ શંકરસિંહ એનસીપીને ગુજરાતમાં રિ-વાઈવ કરી શકે છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભાની 4 સીટ માંગી શકે છે અને મહેન્દ્રસિંહને લોકસભા લડાવે અથવા પોતે લડે તેવી ચર્ચા રાજકીય નેતાઓ કરી રહ્યા છે.