ગુજરાત કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસની વિચારધારામાં માનતા લોકોને કોંગ્રેસ સાથે જોડવાનું આ કામ રાહુલ ગાંધીએ શરૂ કરાવ્યું છે, પરંતુ ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટના નામે કોંગ્રેસીઓ ઉલાળીયું કરી રહ્યા છે.
શક્તિ પ્રોજેક્ટમાં જે કાર્યકરો, આગેવાનોનાં સૌથી વધુ મેમ્બર હશે તેમને હોદ્દો મેળવવામાં કોઈની પણ ભલામણની જરૂર રહેશે નહીં અને રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત કરાશે. શક્તિ પ્રોજેકટમાં એક મેમ્બરના 10 પોઈન્ટ આપવામાં આવે છે. જેને મેમ્બર બનાવવાના હોય તેમણ કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલા નંબર પર એસએમએસ મોકલવાનો રહે છે અને ઈલેકશન કાર્ડ નંબર થકી રજિસ્ટ્રેશન કરી જે-તે આગેવાનનો નંબર સબમીટ કરવાનો હોય છે. આમ એક મેમ્બર બને તો આગેવાનના ખાતામાં 10 પોઈન્ટ જમા થઈ જાય છે.
કોંગ્રેસમાં શક્તિ પ્રોજેક્ટને લઈ હરીફાઈ ચાલી રહી છે. કેટલાક આગેવાનોએ તો ભાડુતી માણસો રાખ્યા . એક મેમ્બરના 50 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા હોવાની બૂમરાણ ઉઠી રહી છે. કોંગ્રેસની સાથે જોડાયેલા છે કે નહી તે જોયા-મૂક્યા વગર જ રજિસ્ટ્રેશનમાં પોતાના પોઈન્ટ વધારવાના કારસ્તાનો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત કેટલાક આગેવાનોએ તો ભાડુતી માણસોને રોજમદાર તરીકે રાખી આખા દિવસના 500 રૂપિયા મજુરી પણ ચૂકવવાનો ખેલ શરૂ કર્યો છે. ગમે તેમ કરીને ખરા-ખોટા મેમ્બર બનાવી હોદ્દો મેળવવાની હોડ ચાલી રહી છે.
ગુજરાત કોંગ્રેસ સમક્ષ આ અંગે ફરીયાદો પણ કરવામાં આવી રહી છે કે શક્તિ પ્રોજેક્ટમાં આવી રીતની ઘાલમેલ કરવામાં આવી રહી છે. હજુ સુધી પ્રદેશ કોંગ્રેસે આવા પ્રકારની ઘાલમેલ અંગે ફોડ પાડીને કશું કહ્યું નથી.