પાટીદાર સમાજના શ્રધ્ધા ધામ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. નરેશ પટેલ હવે જાહેરમાં વધુ સક્રીય થઈ રહેલા દેખાય છે. ગયા પખવાડિયે હાર્દિક પટેલના 13 દિવસના ઉપવાસના પારણા કરાવ્યા બાદ હવે તેએ સુરત આવી રહ્યા છે.
વિગતો મુજબ રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના મહત્વના આગેવાન એવા અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટેના નરેશ પટેલ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સુરત આવી નરેશ પટેલ પ્રથમ અલ્પેશ કથીરીયાની ઘર અને પરિવારજનોની મુલાકાત લેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેશ પટેલને કોંગ્રેસના સિક્રેટ સીએમ તરીકે ખાસ્સા ઓળખવામાં આવ્યા હતા. પરંતુ રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે મગનું નામ મરી પાડ્યું ન હતું. હા, નરેશ પટેલના પુત્ર રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
હવે નરેશ પટેલે અલ્પેશ કથીરીયા માટે કમરકસી છે ત્યારે તેમની સુરત મુલાકાત પર ભાજપ સહિત તમામ લોકોની નજર રહેશે એમાં કોઈ બેમત નથી.