ગુજરાત કોંગ્રેસમાં જરાય સરખું ચાલી રહ્યું નથી. 43 વર્ષીય યુવા પ્રમુખ આવ્યા બાદ એવું લાગતું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના દિવસો સારા આવશે અને યુવાઓ તથા સિનિયરો વચ્ચેનું સંગઠન વધુ મજબૂત થશે. પરંતુ કોંગ્રેસની દશા નવા પ્રમુખ આવ્યા બાદ સુધરવાના બદલે વધુને વધુ બગડી રહી હોવાનું માની શકાય છે. ખુદ કોંગ્રેસીઓમાં અમીત ચાવડાને લઈ ભારે અજંપો પ્રવર્તી રહ્યો છે.
પ્રદેશ પ્રમુખ ઉપરાતં કોંગ્રેસે વિપક્ષી નેતા પદે પણ યુવા નેતા પરેશ ધાનાણીની પસંદગી કરી. એવું મનાતું હતું કે બન્ને યુવા નેતા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે અને વર્ષોથી જૂથવાદમાં ખપી ગયેલી કોંગ્રેસને બહાર કાઢવાનો પ્રયાસ કરશે પણ એવું કશું દેખાતું નથી.
આજે સ્થિતિ એ છે કે ધાનાણી અને ચાવડા સંગઠનની યાદીને લઈ સામ સામે આવી ગયા છે. પરેશ ધાનાણીએ દિલ્હી દરબારમાં જઈને રાહુલ ગાંધી સમક્ષ ગુજરાતના સંગઠનને લઈ પોતાની હૈયાવરાળ ઠાલવી છે. ખાસ કરીને સિનિયરોની અવગણના અને કોંગ્રેસના પ્રાચીનકાળથી ચાલી આવતી મામા-માસીવાળી પરંપરા પ્રમાણે ગોઠવણ થઈ રહી હોવાથી ધાનાણીએ અમીત ચાવડાની ગંભીર ફરીયાદો કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. સિનિયર કોંગ્રેસીઓને સંગઠનમાંથી કાપી નાંખવાના મામલે ધાનાણીએ દિલ્હી દરબારમાં ફરીયાદોનો ગંજ ખડકી દીધો હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.
એક વખત એવો હતો કે ભરતસિંહ સોલંકીના સમયકાળમાં કોઈને નહીં ગાંઠવાનું મન બનાવીને સંગઠનની ગોઠવણ કરવામાં આવતી હતી તેવી સ્ટાઈલ પર અમીત ચાવડા ચાલી રહ્યા હોવાની વાત ચાલી હતી પણ છેવટે સ્થિતિ જૈસે થેની જ બની રહી છે. અમીત ચાવડાને લઈ આશા-અપેક્ષા રાખવામાં આવી રહી હતી તે આશા અને અપેક્ષા હાલ પુરતી રીતે બર આવી રહી નથી. જે પ્રકારે ધાનાણી અને ચાવડા વચ્ચે ભીતરમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે તે જોતાં કોંગ્રેસમાં મોટાપાયા પર અસંતોષની આગ ઉભરશે.