દેશભરમાં જીએસટી લાગુ થયા પછી પણ ટેક્સચોરી કરનાર વેપારીઓ સામે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જીએસટી નંબર લીધા પછી જે વેપારીએ અત્યાર સુધી એક પણ ટેક્સ ભર્યો નથી કે જીએસટી રિટર્ન ફાઈલ કર્યું નથી તેવા અમદાવાદ શહેર અને જિલ્લાના ૬,૦૦૦થી વધુ નંબર રદ કરવામાં આવ્યા છે. જીએસટીના નિયમ મુજબ ઉપરાઉપરી જે વેપારીઓ ૬ વખત સુધી રિટર્ન ફાઈલ કરતા નથી તેમના નંબર રદ કરી દેવામાં આવે છે. આવા નંબર રદ થઈ ગયા છે તેવા વેપારીઓને હવે ફરી નંબર લેવા માટે એપ્લાય કરવું પડશે, પરંતુ તંત્ર આવા વેપારીઓ પાસેથી દરેક દિવસના રૂ. ૫૦ પેનલ્ટી પેટે અને ટેક્સ નથી ભરાયો તેના પર ૧૮ ટકા વ્યાજની વસૂલી કરશે. જે વેપારીઓ માઈગ્રેટ નથી થઈ શક્યા તેવા વેપારીઓ માટે માઈગ્રેટ થવાની અંતિમ મુદત ૩૧ ઓગસ્ટ છે. આ પછી તેઓ માઈગ્રેટ થઈ શકશે નહીં. જે વેપારીઓના જીએસટી નંબર રદ થયા છે તે વેપારીઓને મોટું નુકસાન થશે એટલું જ નહીં, તેમની સાથે વેપાર કરનારાઓને પણ મોટું નુકસાન થશે. જે વેપારીનો નંબર રદ થયો હશે તે વેપારીને તો ખરીદી પરની આઈટીસી (ઈન્યુટ ટેક્સ ક્રેડિટ) મળવાપાત્ર થતી નથી. નંબર રદ થવા બાબતે જીએસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વેપારીઓના નંબર રદ થઈ ગયા છે તેમને ફરી એક તક આપવામાં આવી છે. તેમના માટે રાહતની વાત એ છે કે તેઓ ફરી વખત નંબર લઈ શકે છે. તે માટે વેપારીએ જીએસટી ઓફિસે અપીલ અરજી કરવાની રહેશે. આ અરજી મળ્યા બાદ અધિકારીએ જરૂરી પ્રક્રિયા કરીને જીએસટીની વેબસાઈટમાં માહિતી આપવાની રહેશે. નંબર મેળવવા માટે વેપારીએ જેટલા રિટર્ન ભરવાના બાકી હશે તે તમામ રિટર્ન તો ફાઈલ કરવાનાં રહેશે જ, પરંતુ તેની સાથે વ્યાજ અને પેનલ્ટીની રકમ પણ ચૂકવવી પડશે. કેટલાક વેપારીઓ વેબસાઈટ બરાબર નહીં ચાલતી હોવાના કારણે રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ વિભાગનું કહેવું છે કે શરૂઆતના તબક્કે ટેકનિકલ ક્ષતિની સમસ્યાઓ હતી, જેથી હવે રિટર્ન ફાઈલ ન કરવા બાબતને તેની સાથે કાંઈ લેવા-દેવા નથી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.