Gujarat: ભાજપ મુસ્લિમોને ચૂંટણીમાં ટિકિટ આપતી નથી, છતાં ગુજરાતમાં ભાજપના મુસ્લિમ વોટ શેરીંગમાં વધારો: મુસ્લિમો ભાજપમાં નથી જતા તો ભાજપને મુસ્લિમોનાં વોટની કોઈ ચિંતા નથી
ગુજરાત કોંગ્રેસ ફરી ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને ધારાસભ્યો એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે. હજી પણ કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડશે એમ મનાય છે. આવી સ્થિતિમાં ભાજપને લઈ મુસ્લિમ એક્સપર્ટ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ શું કહે છે તે અંગેનો ચિતાર અત્રે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. “સત્ય ડે” દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને એક્સપર્ટ તથા ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરવામાં આવી.
પોલિટિક્લ એક્સપર્ટ અને અમદાવાદ સ્થિત જાણીતા વરિષ્ઠ પત્રકાર હબીબ શેખ કહે છે કે જ્યારે મુસ્લિમોએ આઝાદી પછી જોયું તો સત્તામાં કોંગ્રેસ હતી અને કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહી. 50 વર્ષથી મુસ્લિમોના નેતા હતા તે તમામ કોંગ્રેસમાં હતા. આવી સ્થિતિમાં મહોલ્લાનો કોઈ યુવાન પબ્લીક કે સોશિયલ લાઈફમાં જોડાય છે તો તેને કોંગ્રેસ જ દેખાય છે. એટલે પરંપરાગત રીતે મુસ્લિમો કોંગ્રેસી થઈ ગયા હતા.
તેઓ કહે છે કે ઈમામ બુખારીએ 1977માં કોંગ્રેસનો બોયકોટ કર્યો હતો. કોંગ્રેસને હરાવવાનું એલાન કર્યું હતું અને મેડમ ઈન્દીરા ગાંધી હારી ગયા હતા.મુસ્લિમોએ કોંગ્રેસને છોડી તો કોંગ્રેસની પડતી શરુ થઈ ગઈ. મુસ્લિમોએ બતાવી દીધું કે અમારું મહત્વ શું છે? મુસ્લિમોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતી હતી કોંગ્રેસ. મુસ્લિમો શું કરે? ભાજપને તો વોટ આપી શકતા નથી તો કોંગ્રેસને પણ નહીં આપીશું. અન્યને આપી દઈશું. હાલમાં ફાયદો ભલે ભાજપને થાય છે. પાર્ટી તરીકે ભાજપ તો એક રીતે તો કોમ્યુનલ પાર્ટી છે. ભાજપે ઓછામાં ઓછી એક સીટ તો વિધાનસભામાં મુસ્લિમને આપવી જોઈએ.
હબીબ શેખ જણાવે છે કે ભાજપને મુસ્લિમોની જરુરત નથી તો મુસ્લિમો શા માટે ભાજપને વોટ આપે? કોંગ્રેસ વિધાનસભામાં સાતથી આઠ મુસ્લિમોને ટિકિટ તો આપે છે. જેનાથી સંતોષ થાય છે કે કોંગ્રેસ મુસ્લિમોને સાથે રાખે છે. ભાજપને મુસ્લિમોના વોટની કોઈ ચિંતા જ નથી. ભાજપ દેખાડો કરે છે કે અમે મુસ્લિમો માટે આ કર્યું, તે કર્યુ. પસમંદા(આર્થિક રીતે અતિ પછાત) મુસ્લિમો માટે પણ ઘણું કર્યું. પણ હકીકત એ છે કે ભાજપના રાજમાં પસમંદા મુસ્લિમો પર જોર જુલમ વધ્યા છે. યુપીમાં જેટલા પણ બૂલડોઝર ચાલ્યા છે તેમાં સૌથી વધુ ભોગ પસમંદા મુસ્લિમો બન્યા છે. એનકાઉન્ટરમાં પણ પસમંદા જ વધુ માર્યા ગયા છે.બેકારી પણ પસમંદામાં સૌથી વધુ છે.પસમંદા મુસ્લિમોને સાથે રાખવા ભાજપ પ્રયાસ કરે છે પણ પસમંદા મુસ્લિમો પર ભાજપના રાજમાં જુલમ થયા છે.આના યુપીમાં અનેક દાખલા છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ અને મુસ્લિમોની વાત કરીએ તો યુપી, બંગાળ, બિહાર,તામિલનાડુ, કાશ્મીરમાં કોંગ્રેસનો વિકલ્પ મળે છે તો ત્યાં મુસ્લિમોનો વોટ શિફ્ટ થઈને રિજિયોનલ પાર્ટી પાસે જતો રહે છે. તેલંગાણાનો દાખલો લઈએ તો ત્યાં કેસીઆરે મુસ્લિમો માટે ઘણા કાર્યો કર્યા છે, પણ ત્યાંનાં મુસ્લિમોને એવું લાગ્યું કે કેસીઆરથી કામ નહીં ચાલે તો તેલંગાણાના મુસ્લિમોએ સ્ટેન્ડ લીધું કે હવે રિજિયોનલ કરતાં નેશનલ પોલિટિક્સમાં નજર કરીએ. કર્ણાટકના પરિણામની અસર પણ તેલંગાણામાં જોવા મળી છે. હવે અન્ય રાજ્યોના મુસ્લિમોએ પણ રિજિયોનલ પોલિટિક્સ કરતાં નેશનલ પોલિટિક્સ તરફ નજર કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસને મજબૂત કરવામાં લાગવા પડશે.
તેમણે કહ્યું કે ભાજપમાં જે મુસ્લિમો છે તેની વાત કરીએ તો ભાજપમાં જે મુસ્લિમો છે તેમાં એન્ટી સોશિયલ, બિલ્ડરો, અને એવા લોકો પણ છે જેમને ગાળો આપીને કોંગ્રેસ કાઢ્યા છે તેમજ એવા લોકો પણ છે જેમને પર્સનલ કામો કરાવવાના છે.આ ચાર મુખ્ય કારણ છે ભાજપમાં મુસ્લિમોના જવા માટેના.

તેમણે કહ્યું કે પાછલી ચૂંટણીમાં ભાજપને મુસ્લિમોના આઠ ટકા વોટ મળ્યા હતા ગુજરાતમાં.એક રીતે મુસ્લિમો ભાજપને વોટ આપતા થયા છે અને આ ટકાવારી વધી રહી છે.ગુજરાતમાં 20-25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી એટલે એક પ્રકારની હતાશા અને કોંગ્રેસથી નારાજગી ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ ન હોવાના કારણે ભાજપનાં મુસ્લિમો વોટ શેરીંગમાં વધારો થતો દેખાય છે.
અમદાવાદના જમાલપુર-ખાડિયા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કહે છે કે કોંગ્રેસમાં જે લોકો જાય છે તેમનો શું મહત્વ છે એમને જ પૂછો. આજે ભાજપમાં ગયેલા તમામની દશા ખરાબ છે. તેઓ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં છે ત્યાં આવા તમામ લોકોની સ્થિતિ કફોડી છે. મુસ્લિમોમાં ભાજપમાં જતા નથી અને જશે પણ નહીં. ભાજપ મુસ્લિમોને ગણતું નથી તો પછી મુસ્લિમોએ ત્યાં જવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.
ગુજરાત ભાજપ લધુમતિ મોરચાના પ્રમુખ અને ગુજરાત વક્ફ બોર્ડના ડાયરેક્ટર ડો. મોહસીન લોખંડવાલા આ અંગે પ્રકાશ પાડતા કહે છે કે ભાજપમાં તમામ મુસ્લિમોનું સ્વાગત છે. પાર્ટીની વિચારધારાને અપનાવીને ભાજપમાં જોડાવા માંગતા તમામને અમે આવકારીએ છીએ. એવું નથી કે માત્ર કેટલાક મુસ્લિમ લોકો જ ભાજપમાં આવી રહ્યા છે. કોંગ્રેસના અનેક મુસ્લિમો ભાજપમાં જોડાયા છે., પાલિતાણાનાં મોટા મુસ્લિમ નેતા હયાત ખાન બલોચ ભાજપમાં જોડાયા છે. પંચમહાવ, છોટાઉદેપુરમાં પણ અનેક મુસ્લિમો ભાજપમાં જોડાયા છે.
ડો.મોહસીન લોખંડવાલા કહે છે કે ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી નથી. રાષ્ટ્રવાદ અને દેશદાઝ ધરાવતા તમામ લોકોને ભાજપ આવકારે છે, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના હોય.
સુરતના સિનિયર એડવોકેટ ડો.નસીમ કાદરીએ જણાવ્યું કે ભાજપમાં કોંગ્રેસના મુસ્લિમો નહીં જાય. એની પાછળનું સીધું કારણ છે ભાજપ ધર્મનું રાજકારણ રમે છે. મંદિર-મસ્જિદ પર જ ભાજપ રાજકારણ કરે છે. રામ મંદિરનો મુદ્દો પૂર્ણ થયો તો હવે કાશીમાં મંદિર-મસ્જિદનો મુદ્દો આગળ કરી દીધો છે. ભાજપની વિચારધારા કોમ્યુનલ હોવાથી મુસ્લિમો ભાજપમાં જતા નથી અને ભાજપ પણ મુસ્લિમોને ગણકારતી નથી.
તેમણે કહ્યું કે પ્રાદેશિક પક્ષો જેવા કે સપા-બસપાને કોંગ્રેસને ખતમ કરવા માટે જ આરએસએસ-ભાજપ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. આ પાર્ટીઓએ કોંગ્રેસના વોટ તોડ્યા છે અને કોંગ્રેસને વર્ષોથી મોટું નુકશાન કર્યું છે. ભાજપ અને આરએસએસ શરુથી જ કોંગ્રેસથી મુસ્લિમોને અલગ કરવાના પ્રયાસોમાં લાગેલા છે અને તેઓ તેમાં સફળ પણ થયા છે. કોંગ્રેસની સામે પ્રાદેશિક પક્ષો ઉભા કરીને કોંગ્રેસનાં મુસ્લિમ,દલિત, આદિવાસી વોટને વિભાજીત કરી ચૂંટણીમાં ફાયદો મેળવી લેવામાં ભાજપ-આરએસએસની યોજના હતી અને તેમાં તેમને સપા-બસપા જેવી પાર્ટીઓનો સાથ મળ્યો છે.
તેઓ આગળ કહે છે કે મુસ્લિમોએ પ્રાદેશિક પક્ષો પર આધાર અને મદાર રાખવાના બદલે નેશનલ લેવલ પર વિચારવાની જરુર છે. પ્રાદેશિક પક્ષોની સાથે રહેવામાં મુસ્લિમોને નુકશાન થયું છે અને વોટના ધ્રુવિકરણને રોકવા માટે મુસ્લિમોએ રાષ્ટ્રીય સ્તરે રાજકીય રીતે કોંગ્રેસને વધુ સક્ષમ બનાવવા પ્રયાસો કરવા જોઈએ.