સોફ્ટ હિન્દુત્વનો કાર્ડ અર્જુન મોઢવાડિયા શરુથી જ રમતા આવ્યા છે અને રામ મંદિર મુદ્દે તેઓ કોંગ્રેસથી ભિન્ન મત ધરાવે છે: નરસિંહરાવને શ્રદ્વાંજલિ આપી મોઢવાડિયા પોતાની મનેચ્છા સતત જાહેર કરતા રહ્યા છે
ગાંધીનગરમાં કોંગ્રેસે મોટો લટકો ફટકો પડ્યો છે. સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હવે ભાજપમાં જવાની તારીખ જ જાહેર કરવાની બાકી છે. ગાંધીનગરમાં કોંગ્રેસ માટે એકલપંડે લડતા ચતુર ચાવડા ઉર્ફે સીજે ચાવડાનું રાજીનામું ગમે તે કારણોસર આપવામાં આવ્યું હોય પણ ગુજરાતમાંથી કોંગ્રેસ નામના જહાજને સંપૂર્ણપણે ડૂબાડી દેવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના મોટા માથાઓની વિકેટ પડવાની શક્યતા હવે વધુ પ્રબળ બની ગઈ છે.
વાત છે કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતા અને પ્રખર કોંગ્રેસી અર્જુન મોઢવાડિયાની. આપણ અર્જુન મોઢવાડિયાના પોલિટિક્સનાં ગ્રાફને થોડા અલગ દ્રષ્ટિકોણથી જોઈએ. અર્જુન મોઢવાડિયાનું રાજકારણ અહેમદ પટેલથી જ શરુ થયું અને અહેમદ પટેલ પર જ ખતમ થઈ જાય છે. મોઢવાડિયા અહેમદ પટેલના વિશ્વાસુ નેતાઓ પૈકીના એક હતા. કોંગ્રેસે તેમને કદ પ્રમાણે આપવા યોગ્ય બધું જ આપ્યું છે. તેમના જાહેર જીવનને જોઈએ તો તેઓ પોરબંદરમાં અનેક સામાજિક સંસ્થા અને સેવાકીય ટ્રસ્ટો સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેઓ અભ્યાસે મિકેનિકલ એન્જિનિયર છે અને વ્યવસાયે આસિસ્ટન્ટ એન્જિનિયર એવા અર્જુન મોઢવાડિયાએ 1993માં નોકરી છોડીને રાજકારણમાં ઝંપાલાવ્યું હતું. 27 વર્ષના પોલિટિકલ કરિયરમાં તેમણે ક્યારેય સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. કારણ કે ગુજરાતમાં 1995થી ભાજપની સત્તા ચાલી આવે છે. (1996માં શંકરસિંહ વાઘેલાની સરકારને બાદ કરતા, વાઘેલા સરકાર એક વર્ષ જ રહી).
અર્જુન મોઢવાડિયા 1997માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા.2002માં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા 2002 માં તેઓ ગુજરાત (સંસદીય અને વિધાનસભા મતવિસ્તારો) માટે ભારતના સીમાંકન આયોગના સભ્ય બન્યા. તેમને અંદાજ સમિતિના સભ્ય તરીકે પણ તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહ્યા હતા.
તેઓ 2007માં ફરી ચૂંટાયા હતા અને 2008 થી 2009 સુધી તેઓ મીડિયા સમિતિના અધ્યક્ષ અને GPCCના મુખ્ય પ્રવક્તા પણ હતા. 2 માર્ચ 2011ના રોજ, તેમની GPCCના 27મા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ 20 ડિસેમ્બર 2012ના રોજ તેમણે GPCCના પ્રમુખ પદેથી રાજીનામું પણ આપી દીધું હતું ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે તેઓ 2017માં વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરીથી પોરબંદર વિધાનસભામાંથી ચૂંટાયા હતા.
27 વર્ષની રાજકીય સફરમાં અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના સિપાહી તરીકે કાર્ય કર્યું છે. પદ અને હોદ્દાની પરવા કર્યા વિના તેમણે કોંગ્રેસના ધકબતી રાખવાના પ્રયાસો કર્યા. એવું કહેવાય છે કે પોરબંદરના એક છેડેથી લઈ વાપી-વલસાડ સુધીના કાર્યકરો સાથે મોઢવાડિયાનો જીવંત સંપર્ક રહે છે. તેઓ કાર્યકરો સાથે સીધી વાત કરે છે અને સંગઠનને મજબૂતી આપતા રહ્યા છે.
હવે વાત આવે છે તેમના નરસિંહરાવ પ્રત્યેના પ્રેમની. ભાજપે રામ મંદિર નિર્માણ આંદોલન શરુ કર્યું. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે અયોધ્યામાં કાર સેવા કરવામાં આવી હતી અને બાબરી મસ્જિદને ધ્વંશ કરી દેવામાં આવી હતી. બાબરી ધ્વંશ બાદ મુસ્લિમોમાં નરસિંહરાવ પ્રત્યે ભારોભાર ગુસ્સો આજે પણ પ્રવર્તે છે અને મુસ્લિમોએ આના કારણે યુપી, બિહાર સહિતના હિન્દી બેલ્ટમાંથી કોંગ્રેસનું ઉઠમણું કરી નાંખ્યું છે. આજે પણ હિન્દી બેલ્ટમાં કોંગ્રેસને કળ વળી રહી નથી. અર્જુન મોઢવાડિયા નરસિંહરાવે કોંગ્રેસી વડાપ્રધાન હોવાના નાતે જન્મ જયંતિ અને પૂણ્યતિથિએ સ્મરણ કરીને શ્રદ્વાંજલિ આપતા રહ્યા છે. કોંગ્રેસનાં એક ગ્રુપને તેમની આ વાત ખટકે છે. છતાં પણ કોંગ્રેસમાં તેમના મુસ્લિમ સમર્થકો પણ એટલી જ સંખ્યામાં છે. જેવી રીતે શંકરસિંહ વાઘેલાના પણ મુસ્લિમ ટેકેદારોની સંખ્યા હતી તેવી જ રીતે મોઢવાડિયાના પણ મુસ્લિમ ટેકેદારોની સંખ્યા નોંધપાત્ર રહેલી છે.
મોઢવાડિયા સોફટ હિન્દુત્વનો કાર્ડ પહેલેથી જ રમતા આવેલા છે અને ગુજરાતમાં રામ મંદિરનો કોંગ્રેસ વિરોધ કરે એ તેમને અણછાજતું લાગતું આવેલું છે. નરસિહંરાવને શ્રદ્વાંજલિ આપવાની બાબતને પણ સોફટ હિન્દુત્વ સાથે જોઈએ તો કોંગેસમાં રહેલા હિન્દુવાદી નેતાઓની ઓળખ થઈ શકે છે. જે પ્રકારે મુસ્લિમ તરફી નેતાઓ કોંગ્રેસમાં છે તેવી જ રીતે હિન્દુત્વવાદી નેતાઓ પણ કોંગ્રેસમાં છે.
સીજે ચાવડાએ કોંગ્રેસ છોડી તો હવે પવનની દિશા મોઢવાડિયા તરફ ફંટાઈ છે. સૂત્રો કહી રહ્યા છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં મોઢવાડિયા મોટું પગલું ભરવા જશે અને બની શકે છે કે તેઓ પણ કોંગ્રેસને તિલાંજલિ આપી દે. ભારત જોડો યાત્રા ગુજરાત આવે તે પહેલાં કે ત્યાર બાદ મોઢવાડિયા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. બસ સમયનો ઈન્તેજાર છે.