Cricket News – રણજી ટ્રોફીની એલિટ ગ્રુપ ડી મેચમાં દિલ્હીની ટીમને પુડુચેરી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પુડુચેરીના બોલરોનો દબદબો જોવા મળ્યો, જેના કારણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યજમાન ટીમને અપસેટનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ દિલ્હીની ટીમે મોટી કાર્યવાહી કરી અને કેપ્ટન બદલ્યો.
દિલ્હીની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો
રણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં પુડુચેરીના હાથે કારમી હારનો સામનો કર્યાના કલાકો બાદ યશ ધૂલને દિલ્હીના કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો છે. સિનિયર બેટ્સમેન હિંમત સિંહ હવે 12 જાન્યુઆરીથી જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં દિલ્હીનું નેતૃત્વ કરશે. અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન રહેલા ધૂલને ડિસેમ્બર 2022માં દિલ્હીની કમાન સોંપવામાં આવી હતી. તેણે ફેબ્રુઆરી 2022માં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 43.88ની એવરેજથી 1185 રન બનાવ્યા છે. પુડુચેરી સામે નવ વિકેટની હાર દરમિયાન યશ ધુલ માત્ર બે અને 23 રન જ બનાવી શક્યો હતો. આ 21 વર્ષીય બેટ્સમેને આ સીઝનની શરૂઆતમાં સીમિત ઓવરોની ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશિપ પણ કરી હતી.
DDCA તરફથી આ મોટું નિવેદન આવ્યું છે
દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ જણાવ્યું કે યશ પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ અત્યારે ફોર્મમાં નથી. અમે ઇચ્છીએ છીએ કે તે બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરે અને તેથી અમે તેને કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત કર્યો. હિંમત અમારો સિનિયર ખેલાડી છે અને તેણે ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમનો કેપ્ટન રહેશે.
હિંમત સિંહ આ પહેલા પણ કેપ્ટન રહી ચૂક્યો છે
ગત વર્ષે યશ ધુલની ગેરહાજરીમાં હિંમતની આગેવાનીમાં દિલ્હીએ મુંબઈ સામે મોટી જીત નોંધાવી હતી. હિમ્મત 2017માં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 22 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ઈશાંત શર્મા જમ્મુ-કાશ્મીર સામેની આગામી મેચમાં નહીં રમે. સૈનીને ઈન્ડિયા A ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે જ્યારે જાણવા મળ્યું છે કે ઈશાંત દિલ્હીમાં યોજાનારી મેચો માટે જ ઉપલબ્ધ રહેશે.