Finance: PFRDA દ્વારા NPSના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા NPS એકાઉન્ટ ખોલવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સરકારી કર્મચારીઓ પણ eNPS દ્વારા તેમનું NPS ખાતું ખોલાવી શકશે. eNPS ની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે અને સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, NPS એક રિટાયરમેન્ટ પ્લાન છે. તે સરકારી સંસ્થા PFRDA દ્વારા ચલાવવામાં આવે છે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના લોકો આમાં રોકાણ કરી શકે છે.

eNPS શું છે?
eNPS એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેના દ્વારા કેન્દ્ર,રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ સરકારી સંબંધિત સંસ્થાઓના કર્મચારીઓ તેમનું NPS એકાઉન્ટ ખોલી શકે છે.
કોઈપણ સરકારી કર્મચારી પોતાનું ENPS ખાતું બે રીતે ખોલી શકે છે. પ્રથમ – આધાર ઓનલાઈન અને ઓફલાઈન કેવાયસી દ્વારા. બીજું- અન્ય KYC દસ્તાવેજો સાથે PAN કાર્ડ દ્વારા.
eNPSનો શું ફાયદો થશે?
PFRDA એ eNPS પ્લેટફોર્મના ઘણા ફાયદાઓ જણાવ્યા છે.
સરકારી કર્મચારીઓનું ઓનબોર્ડિંગ પહેલા કરતા વધુ સરળ બનશે.
તેના દ્વારા નોડલ ઓફિસર સરળતાથી વેરિફિકેશન કરી શકશે.
eNPS દ્વારા નોડલ ઓફિસરનું કામ સરળ બનશે અને તે પેપરલેસ હોવાથી તેમાં સમય પણ ઓછો લાગશે.
આમાં, નોંધણી ફક્ત OTP દ્વારા સાઇન કરીને કરી શકાય છે.
ડિજિટલાઈઝેશનને કારણે NPS ખાતું ખોલાવવાનો ખર્ચ ઘટશે.
ઓનલાઈન પ્રક્રિયાને કારણે, PRAN સમયસર જનરેટ થશે અને તેના કારણે, અમે સમયસર યોગદાનની ખાતરી કરી શકીશું. આનાથી તમને વધુ વળતર મળવાની તકો વધી જશે.
ઓનલાઈન પ્રક્રિયાને કારણે કેન્સલ થવાની શક્યતા પણ ઘટી જશે.
તેનાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે. ભૌતિક સ્વરૂપમાં, ફોર્મ સૌપ્રથમ સબસ્ક્રાઇબર દ્વારા નોડલ ઓફિસરને સબમિટ કરવામાં આવે છે. આ પછી નોડલ ઓફિસર તેને CRA-FCને સબમિટ કરે છે.