દુબઈની સૌથી મોટી એરલાઈન્સ એમિરેટ્સે પોતાનાં વિમાનોમાં ‘હિન્દુ ભોજન’ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં પ્રવાસીઓને પોતાની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા અનુસાર ભોજન બુક કરાવવાની સિસ્ટમ ઘણી પ્રચલિત છે. પ્રવાસીઓ વિમાનમાં સફર કરતાં પહેલાં જ પોતાનું ભોજન બુક કરાવી દેતા હોય છે. એમિરેટ્સ એરલાઈન્સે જણાવ્યું છે કે તેમની ફ્લાઈટમાં હવેથી હિન્દુ ભોજન ઉપલબ્ધ બનશે નહીં. અમે સુવિધાઓની સતત સમીક્ષા કરીએ છીએ અને લોકોના પ્રતિભાવ પણ મેળવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને અમે હવે અમારી ફ્લાઈટના મેનુમાંથી હિન્દુ ભોજનનો ઓપ્શન નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દુ પ્રવાસીઓ હજુ પણ પ્રાદેશિક શાકાહારી અને માંસાહારી ભોજન પસંદ કરી શકશે. શાકાહારી પ્રવાસીઓ માટે એમિરેટ્સ દ્વારા કેટલાક વિકલ્પ રાખવામાં આવ્યા છે, જેમાં શાકાહારી જૈન ભોજન, ભારતીય શાકાહારી ભોજન, નોન બીફ નોન વેજિટેરિયનનો ઓપ્શન ઉપલબ્ધ છે.
હિન્દુ ભોજનમાં શું હોય છે?
આ ભોજન એવા પ્રવાસીઓ માટે હોય છે, જેઓ શાકાહારી નથી હોતા અને મીટ, માછલી, ઈંડાં અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરે છે. હિન્દુ ભોજનમાં બીફ નથી હોતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગની મોટી એરલાઈન્સ પોતાની ફ્લાઈટમાં શાકાહારી અને માંસાહારી બંને વિકલ્પ આપે છે. એર ઈન્ડિયા અને સિંગાપોર એરલાઈન્સમાં પણ ધાર્મિક ભોજનનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે.