આજના સમયમાં દરેક માતા પિતાને તેમના સંતાનના અભ્યાસની ચિંતા સતાવતી હોય છે. કેમ કે, લાંબેગાળે તેનો આધાર ભવિષ્ય સાથે સંકળાયેલો હોય છે. આથી, બાળકને સારી શાળા કોલેજમાં અભ્યાસ કરાવવા હંમેશા માતા પિતા આગ્રહ રાખતા હોય છે. પરંતુ બાળક નાનું હોય, શાળામાં અભ્યાસ કરતું હોય ત્યારે તે મોબાઇલ, વિડિયો ગેમ્સ કે ટીવી જોવામાં સમય વધુ વિતાવે તો આવી સ્થિતિમાં માતાપિતાની ચિંતા વધી જતી હોય છે. બાળકો પર અભ્યાસ કરવા અર્થે તેઓ દબાણ પણ કરી બેસતા હોય છે.
જો કે, આ દબાણ ક્યારેક બાળકોને માનસિક રીતે પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં બાળકોને પ્રેમપૂર્વક અને પ્રોત્સાહન સાથે અભ્યાસ પ્રત્યે ગંભીર બનાવવા જોઇએ. જો તમારું બાળક વારંવાર અભ્યાસથી દૂર રહે છે અને અભ્યાસ કરતી વખતે નખરા કરે અથવા તેનું મન લાગતું ન હોય તો આજે અમે તમને કેટલીક બાબતો જણાવીશું જેને અપનાવશો તો તમારા બાળકને અભ્યાસ કરવામાં રસ પડશે.
બાળકો નિર્દોષ હોય છે. તેમને તેમના ભવિષ્ય અને શિક્ષણના મહત્વ વિશે કઇ જ ખ્યાલ હોતો નથી. આથી, માતાપિતાએ તેમના બાળકને શિક્ષણનું મહત્વ સમજાવવું જોઇએ. આથી, આપના બાળકને તેના અભ્યાસનું મહત્વ સમજાવો.
બાળકને પ્રોત્સાહિત કરવા માટે મહત્વનું છે કે તેની પ્રશંસા કરો. તેથી, ધ્યાનમાં રાખો કે તમારું બાળક અભ્યાસને લગતું જે પણ કામ કરે છે અને જ્યારે તે તમને બતાવે છે ત્યારે ચોક્કસપણે પ્રોત્સાહન આપો. તેણે કરેલા પ્રયાસોની પ્રશંસા કરો.
બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે તેના આહારનું ધ્યાન રાખો. તમારું બાળક અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે તે માટે તેને હંમેશા સ્વસ્થ આહાર આપો. કારણ કે સ્વસ્થ શરીર સાથે સ્વસ્થ મનનો વિકાસ થાય છે.
બાળકોના આહાર સાથે ઊંઘ પણ એટલી જ મહત્વની છે. કેમ કે, ઊંઘ પૂરી થાય તો જ મગજ સ્વસ્થ રહે છે. અન્યથા તેઓ હંમેશા થાક અને નબળાઇ અનુભવશે. જેની અસર તેના અભ્યાસ પર પડી શકે છે.
બાળકો હોય કે પુખ્ત વયના દરેકના સારા સ્વાસ્થ્ય માટે યોગ અને કસરત જરૂરી છે. આ કારણે તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહેવાની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે. જેના કારણે તેઓ અભ્યાસમાં રસ લેતા થશે.
અભ્યાસ માટે યોગ્ય અને ચોક્કસ સ્થળ પસંદ કરો. ખાસ કરીને બાળકોના અભ્યાસ માટે ટેબલ અને ખુરશીની સાથે પ્રકાશ અને વેન્ટિલેશનની સારી વ્યવસ્થા હોવી જોઈએ. પસંદ કરેલું સ્થળ અભ્યાસ કરવા માટે આરામદાયક પણ હોવું જોઇએ.
મહત્વની વાત એ પણ છે કે બાળકો પર અભ્યાસ માટે કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવું જોઇએ. તેમને હંમેશા અભ્યાસ માટે પ્રેરિત કરતા રહો. આ સાથે રમવા માટે પૂરતી તકો આપો, જેથી તેઓ ભણતી વખતે રમવાનું વિચારે નહીં.
ઘરનું વાતાવરણ સારું રાખવું જોઇએ. જેથી બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે નહી.
બાળકોને ભણવા માટે ક્યારેય મારવા જોઇએ નહી. કેમ કે, તેની નકારાત્મક અસર પડી શકે છે.