ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક હાલમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઓમાનના સુલતાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. સંયુક્ત પ્રતિનિધિમંડળની બેઠકમાં બોલતા પીએમ મોદીએ કહ્યું, “આજે અમે એક નવું ભારત-ઓમાન સંયુક્ત વિઝન અપનાવી રહ્યા છીએ, જે ભવિષ્ય માટે ભાગીદારી છે. આ સંયુક્ત અભિગમ દસ જુદા જુદા ક્ષેત્રોમાં નક્કર કાર્યવાહીના મુદ્દાઓ પર સંમત થયો છે. મને વિશ્વાસ છે કે અમારો સંયુક્ત અભિગમ અમારી ભાગીદારીને નવો અને આધુનિક આકાર આપશે.
પીએમ મોદીએ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા બદલ ઓમાનને પણ અભિનંદન પાઠવ્યા હતા. T20 વર્લ્ડ કપની યજમાની આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા કરવામાં આવશે. ઓમાનના સુલતાનને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું, “ગયા મહિને, ઓમાન 2024માં યોજાનાર T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું. આ માટે તમને અભિનંદન.” આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી વી મુરલીધરન અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા પણ હાજર હતા.
આપને જણાવી દઈએ કે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ ફાટી નીકળ્યા બાદ ખાડી ક્ષેત્રના કોઈ ટોચના નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ઓમાનના ટોચના નેતાઓ ભારતની મુલાકાતે છે. વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે છે. 16 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં મુર્મુ અને વડાપ્રધાન મોદી દ્વારા સુલતાન હૈથમ બિન તારિકનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓમાનની ક્રિકેટ ટીમની વાત કરીએ તો, તે મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ઓમાને એશિયા ક્વોલિફાયર સેમિફાઇનલમાં વિજય નોંધાવ્યા બાદ આ સિદ્ધિ મેળવી હતી. ઓમાને બહેરીનને દસ વિકેટે હરાવીને વર્લ્ડ કપની ટિકિટ બુક કરી હતી. T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ 4 જૂને અને ફાઇનલ 20 જૂને રમાશે. 20 ટીમોને 5 ટીમોના 4 જૂથોમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં ટોચની બે ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. સુપર 8માં ચાર ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવશે. બંને ગ્રૂપની ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ ફાઇનલ રમાશે.