મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે 15 ડિસેમ્બરે એક મોટી જાહેરાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને હાર્દિક પંડ્યાને સોંપી હતી. મુંબઈને 5 વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને IPL 2024 પહેલા સુકાની પદ પરથી હટાવીને ગુજરાત ટાઇટન્સ માટે છેલ્લી બે સીઝન રમનાર હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ફેન્સ નાખુશ છે. તેઓએ ટીમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને લગભગ 4.5 લાખ ચાહકોએ ટીમ છોડી દીધી છે. એક પ્રશંસકે ટીમની જર્સી પણ સળગાવી દીધી હતી.
જેમ જેમ મુંબઈ ઇન્ડિયન્સે સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે IPL 2024માં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન હશે, પહેલા રોહિત શર્મા અને ટીમના ચાહકોએ તે પોસ્ટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને પછી તરત જ ચાહકોએ ટીમના હેન્ડલ્સને અનફોલો કરવાનું શરૂ કરી દીધું. મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે જ ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 લાખ ફોલોઅર્સ ગુમાવ્યા. આ ટ્રેન્ડ બીજા દિવસે એટલે કે શનિવાર, 16 ડિસેમ્બરે ચાલુ રહ્યો અને બપોરે 1.30 વાગ્યા સુધીમાં 1 લાખ 22 હજાર ચાહકોએ મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલને અનફોલો કરી દીધું.
સોશિયલ મીડિયા ડેટા પ્રદર્શિત કરતી કંપની સોશિયલબ્લેડના જણાવ્યા અનુસાર, લગભગ 10 હજાર લોકોએ YouTube પરથી ચેનલને અનસબ્સ્ક્રાઇબ કરી દીધી છે, જ્યારે ટ્વિટર પર લગભગ 33 હજાર ચાહકોએ ટીમ છોડી દીધી છે. ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો 15 ડિસેમ્બરે 295,803 લોકોએ ટીમના હેન્ડલને અનફોલો કર્યું હતું, જ્યારે 16 ડિસેમ્બર શનિવારના રોજ બપોરે 1.30 વાગ્યા સુધી મુંબઈ ઈન્ડિયન્સના 1 લાખ 22 હજારથી વધુ પ્રશંસકોએ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યું હતું. તે જ સમયે, ટીમના આ નિર્ણયથી નારાજ જબરા ચાહકે ટીમની જર્સી પણ સળગાવી દીધી હતી.