અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને લારા દત્તાની ૨૦૦૩માં આવેલી હિટ ફિલ્મ અંદાઝની હવે રિમેક બની રહી છે અને તેમાં આ ત્રણેયના સ્થાને નવા કલાકારોની પસંદગી કરવામાં આવી છે.
સુનિલ દર્શને હવે જાહેર કર્યા અનુસાર અંદાઝ ટૂમાં નતાશા ફર્નાન્ડિઝ, આયુષ કુમાર તથા અકૈશાની નવી ત્રિપુટી જોવા મળશે. નતાશા અગાઉ સુનિલ દર્શનની જ ૨૦૧૭માં રીલીઝ થયેલી ફિલ્મ ઈક હસીના થી ઈક દિવાના થા માં કામ કરી ચૂકી છે. આયુષ અભિષેક બચ્ચનની દસવી ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં હતો.
નિર્માતા સુનિલ દર્શને અગાઉ જ જાહેર કર્યુ હતું કે પોતે આ રિમેકમાં સદંતર નવા કલાકારને સ્થાન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મૂળ અંદાઝ રીલીઝ થઈ ત્યારે પ્રિયંકા અને લારા બંને નવા કલાકારો હતાં. પ્રિયંકાની અક્ષય કુમાર સાથેની જોડીની શરૂઆત આ ફિલ્મથી જ થઈ હતી.
હાલ બોલીવૂડમાં બહુ મોટા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ ટિકિટબારી પર ચાલશે તેવી કોઈ ગેરન્ટી રહી નથી તેવા સંજોગોમાં સુનિલ દર્શને સાવ નવા જ કલાકારો સાથે અંદાઝ ટૂની જાહેરાત કરીને મોટું સાહસ ખેડયું છે. અક્ષય કુમારની ભૂલભૂલૈયા નો બીજો ભાગ ભૂલભૂલૈયા ટૂ તરીકે રીલીઝ થયો અને તેમાં અક્ષયને બદલે કાતક આર્યન હિરો હોવા છતાં પણ ફિલ્મ સફળ થઈ તેવું જ પુનરાવર્તન અંદાઝની બાબતમાં થશે તેવી નિર્માતાઓને આશા છે.