ટીમ ઈન્ડિયાનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. શમીને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં એવું કહેવામાં આવ્યું હતું કે તે ટેસ્ટ સિરીઝ રમશે કે નહીં તેનો નિર્ણય તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. ICC વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર શમીએ હીલની સમસ્યાની ફરિયાદ કરી હતી. વર્લ્ડ કપ દરમિયાન પણ તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે, જ્યારે ત્રણ મેચની ODI આંતરરાષ્ટ્રીય શ્રેણી 17 થી 21 ડિસેમ્બર સુધી રમાવવાની છે. ODI શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે, જ્યારે ટેસ્ટ ટીમમાં સામેલ ખેલાડીઓ 15 ડિસેમ્બરે દુબઈ થઈને દક્ષિણ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
ક્રિકબઝના સમાચાર મુજબ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ સહિત ટેસ્ટ ટીમના ખેલાડીઓ 15 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જશે. હજુ સુધી શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નથી, એવું માનવામાં આવી રહ્યું છે કે જો શમી ટેસ્ટ ટીમની બહાર રહેશે તો સાઉથ આફ્રિકામાં પહેલાથી જ હાજર ભારતીય ખેલાડીઓમાંથી કોઈ એક ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવશે.તેને ટેસ્ટ ટીમમાં એન્ટ્રી મળી શકે છે.
હાલમાં, T20 અને ODI આંતરરાષ્ટ્રીય ટીમો સિવાય, ભારત A સહિત કુલ 75 ભારતીય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં છે. 30 નવેમ્બરના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26મી ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ સાથે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્માએ મર્યાદિત ઓવરના ફોર્મેટમાંથી આરામની માંગ કરી હતી. આ બંને ટેસ્ટ સિરીઝ સાથે મેદાનમાં પરત ફરશે.