ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ આ વર્ષના અર્જુન એવોર્ડ માટે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ કરી છે. આ 33 વર્ષીય ફાસ્ટ બોલરે તાજેતરમાં પૂરા થયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.
રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઇએ મોહમ્મદ શમીનું નામ યાદીમાં સામેલ કરવા માટે ખાસ વિનંતી કરી હતી. અગાઉ તેનું નામ દેશના બીજા સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નોમિનેટ થયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ નહોતું.શમીએ વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે માત્ર સાત મેચમાં 24 વિકેટ ઝડપી હતી.
રમતગમત મંત્રાલયે આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ નક્કી કરવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએમ ખાનવિલકર આ સમિતિનું નેતૃત્વ કરશે.
તેમના સિવાય હૉકી ખેલાડી ધનરાજ પિલ્લૈ, ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી કમલેશ મહેતા, ભૂતપૂર્વ બોક્સર અખિલ કુમાર, મહિલા શૂટર અને વર્તમાન રાષ્ટ્રીય કોચ શુમા શિરુર, ભૂતપૂર્વ ક્રિકેટર અંજુમ ચોપરા, બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુર્ગુંડે અને પાવરલિફ્ટર ફરમાન પાશા પણ સમિતિમાં સામેલ છે.