શહેરમાં ઠેર-ઠેર લાગેલા ઓપો-વીવો કંપનીના હોર્ડીંગ્સ બોર્ડ અંગે કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કમિશ્નરની ચેમ્બર બહાર “ઓપો વિવોની દલાલી બંધ કરો”ના નારા સાથે વિરોધ કરાયો હતો. તેમજ 300 થી 400 જેટલા આવા હોર્ડિંગ્સની કરોડો રૂપિયાની વસુલાત બાકી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. આ તકે કમીશ્નરની ચેમ્બર બહાર ધારણા પર બેસવા જતાં કોંગી કાર્યકરોને અટકાવવા પોલીસે ટીંગાટોળી કરી હતી.
બીજીતરફ મનપા દ્વારા આ મુદ્દે પ્રેસરિલીઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ, શહેરમાં મંજુરી વિના લગાવવામાં આવેલા ઓપો અને વિવો કંપનીનાં બોર્ડ અંગે કંપનીને બે વર્ષની લાયસન્સ ફી ભરવા નોટીસ આપવામાં આવી હતી. જે અંતર્ગત ઓપો કંપની દ્રારા રૂ.11 લાખ રૂપિયા ભરી દેવામાં આવ્યા છે. જ્યારે વિવો કંપનીએ 7 દિવસમાં રકમ ભરી જવા લેખિતમાં ખાતરી આપી છે. ઉપરાંત બંને કંપનીએ પોતાના બોર્ડ રેગ્યુલરાઈઝ કરી આપવાની માંગણી પણ કરી હોઈ કંપનીને 3-દિવસમાં તમામ બોર્ડની નિયત નમૂનામાં સાઈઝ પ્લાન સાથે અરજી કરી આપવા નોટિસ પાઠવવામાં આવી છે.