લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023માં, બીજી ક્વોલિફાયર મેચમાં ઈન્ડિયા કેપિટલ્સને મણિપાલ ટાઈગર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સ તરફથી રમતા કેવિન પીટરસને શાનદાર બેટિંગ કરી અને કેટલાક એવા શોટ્સ ફટકાર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેવિન પીટરસને 27 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન પાંચ સિક્સર ફટકારી હતી. ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ઈન્ડિયા કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 177 રન બનાવ્યા હતા અને તેની ટીમ તરફથી સર્વશ્રેષ્ઠ સ્કોરર પીટરસન રહ્યો હતો. પીટરસને મેચના બીજા દિવસે આઈપીએલ 2024ની હરાજીમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેવિન પીટરસને પોતાની ઈનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ ઈચ્છા વ્યક્ત કરી છે.
જો કે, મણિપાલ ટાઈગર્સે વધુ સારું પ્રદર્શન કર્યું અને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ 181 રન બનાવીને મેચ જીતી લીધી અને લિજેન્ડ્સ લીગ 2023ની ફાઈનલની ટિકિટ મેળવી લીધી. ચેડવિક વોલ્ટન, એન્જેલો પરેરા, અસેલા ગુણારત્ને અને કોલિન ડી ગ્રાન્ડહોમે હરભજન સિંહના નેતૃત્વમાં મણિપાલ ટાઈગર્સ માટે જોરદાર બેટિંગ કરી હતી.
કેવિન પીટરસને તેની ઇનિંગનો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘ગઈ રાત… હું IPL ઓક્શનમાં કેવી રીતે એન્ટ્રી કરી શકું?’
IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. કેવિન આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ડેક્કન ચાર્જર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ જેવી ફ્રેન્ચાઈઝી ટીમો માટે રમ્યો છે. કેવિન પીટરસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે કુલ 104 ટેસ્ટ, 136 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કેવિને ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 8181, 4440 અને 1176 રન બનાવ્યા છે અને 10, સાત અને એક વિકેટ લીધી છે. કેવિન પીટરસને તેની કારકિર્દીની છેલ્લી IPL મેચ 2016માં રમી હતી. તે મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. કેવિન પીટરસન ત્યારે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો ભાગ હતો.