મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું છાંટ્યું હોય તેવી ટિપ્પણી કરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને જોતા, પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર એક રમૂજી ટિપ્પણી કરી છે.
દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું, ‘ પનોતી કોણ છે?’ આ સવાલ પૂછીને દાનિશ કનેરિયાએ એક રીતે કોંગ્રેસને આડે હાથ લીધી છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિધાનસભા ચૂંટણી દરમિયાન રમાઈ હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર માટે સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને જવાબદાર ગણાવી હતી.
ઓસ્ટ્રેલિયાના હાથે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતની હાર બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમના ક્રિકેટરો સારું રમી રહ્યા હતા, પરંતુ પનૌતીએ પહોંચી અને તેમને હરાવ્યા ‘ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના તમામ મોટા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પનૌતી શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.