દેશના મુખ્ય શેરબજાર BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન બુધવારે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડૉલરના સ્તરે પહોંચી ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શેરબજારમાં ખરીદીને કારણે બુધવારે સવારના વેપારમાં BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3,33,26,881.49 કરોડ સુધી પહોંચી ગયું હતું. 83.31 રૂપિયાની વિનિમય કિંમત પર આ રકમ ચાર ટ્રિલિયન ડૉલરથી વધુ છે.
વૈશ્વિક બજારોમાં ભારતીય શેરબજાર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી બજારહિસ્સાની દ્રષ્ટિએ પાંચમા ક્રમે છે. જ્યારે કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં નિફ્ટીમાં 10%થી વધુનો વધારો થયો છે. 2023માં ભારતનું એમ-કેપ વધીને રૂ. 51 લાખ કરોડની આસપાસ થવાની તૈયારીમાં છે. દલાલ સ્ટ્રીટ પર સ્મોલ અને મિડકેપ શેરો અને બેક-ટુ-બેક IPOની સારી કામગીરીને કારણે આ છે. મે 2021માં ભારત ત્રણ ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયું હતું.
અંદાજે $48 ટ્રિલિયનની માર્કેટ કેપ સાથે, યુએસ અત્યાર સુધીમાં વિશ્વનું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ છે. આ પછી ચીન ($9.7 ટ્રિલિયન) અને જાપાન ($6 ટ્રિલિયન) છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર, આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ભારતના માર્કેટ કેપમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ટોપ-10 માર્કેટ કેપ ક્લબમાં અમેરિકા એકમાત્ર એવું બજાર છે કે જેણે ભારત કરતાં 17 ટકાની ઝડપે વૃદ્ધિ કરી છે. આ વર્ષે, વિશ્વના તમામ બજારોની સંયુક્ત માર્કેટ કેપ 10 ટકા વધીને $106 ટ્રિલિયન થઈ ગઈ છે.