રણબીર કપૂરે કબૂલ્યું છે કે હવે ૪૧ વર્ષની વયે તેનાથી લટકા ઝટકા સાથેના ડાન્સ સ્ટેપ થઈ શકતા નથી અને તેની કમર દુઃખી જાય છે. બોલીવૂડમાં ભાગ્યે જ કોઈ હિરો પોતાની વય પ્રમાણેની અસરો કબૂલતા હોય છે. અનેક કલાકારો ૫૦-૫૫ વર્ષની વય વટાવી ચૂક્યા પછી પણ એક્શન ફિલ્મો કરે છે.
જોકે, તે બધાથી અલગ રીતે રણબીર કપૂરે સ્વીકારી લીધું છે કે હવે હું ૪૧ વર્ષનો થઈ ગયો છું અને હવે અમુક ડાન્સ સ્ટેપ તેનાથી થતા નથી. તેમ કરવામાં તેની કમર દુઃખી જાય છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં રણબીરને બદતમીઝ દિલ ગીત પર ડાન્સ કરવા જણાવાયું હતું. જોકે, તેણે પોતાની બેઠક પરથી ઊભા થઈને એકાદ સ્ટેપ કરીને કહી દીધું હતું કે મારાથી હવે આ ગીત પર ડાન્સ થતો નથી. ફરમાઈશ કરતાં પહેલાં એ પણ યાદ રાખો કે હવે હું ૪૧ વર્ષનો થઈ ચૂક્યો છું.
રણબીરે કહ્યું હતું કે આ ગીત ધરાવતી ફિલ્મ ‘યહ જવાની હૈ દિવાની’ ૨૦૧૩માં આવી હતી. પરંતુ, આ ગીતથી તેનો પીછો છૂટતો નથી. તે ક્યાંય પણ જાય ત્યારે લોકો આ ગીતની જ ફરમાઈશ કરે છે. પરંતુ, બધાએ યાદ રાખવું જોઈએ કે આ ગીત ૧૦ વર્ષ પહેલાંનું છે.