મોરબી : રાજ્યમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની સાથે નદીઓની સફાઈ કામગીરી માટે ૧ લી મે ના રોજ પ્રારંભ થઇ રહેલા સૂઝલામ – સુફલામ કાર્યક્રમ અંતર્ગત મોરબીની ઐતિહાસિક મચ્છુ નદીને ઊંડી ઉતરવાની સાથે સાથે સ્વચ્છ બનાવવાનો પ્રારંભ જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાશે.
રાજ્ય સરકારના સુઝલામ – સુફલામ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે – સાથે મોરબી જિલ્લામાં ચેકડેમ, તળાવો ઊંડા ઉતારવાની કામગીરીમાં મોરબીની પ્રદુષિત થઈ ગયેલી મચ્છુનદીને શુદ્ધિકરણ અને ડીપનિંગ કાર્યનો પ્રારંભ રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે તા. ૧ મે ના રોજ સવારે ૧૦ કલાકે અત્રેની મહાપ્રભુજી બેઠક, એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી કાર્યક્રમ યોજી કરાશે.
આ ઉપરાંત જિલ્લાના વિરપર ગામે બપોરે ૧૨ કલાકે અને હળવદ ખાતે બપોરે ત્રણ વાગ્યે તળાવ ઊંડા ઉતરવાની કામગીરીનો પ્રભારી મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુઝલામ – સુફલામ યોજના અંતર્ગત તા. ૧ થી ૩૧ મેં સમગ્ર મોરબી જિલ્લામાં ચેકડેમો અને તળાવો ઊંડા ઉતરવાની કામગીરી ઝુંબેશરૂપે કરી ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવાની સાથે જળસંચય અભિયાન ચાલવાશે.
