કેશલેસ અર્થતંત્ર બનાવવાની દિશામાં ઝડપથી સરકાર આગળ વધી રહી છે ત્યારે હવે આધાર સંલગ્ન લેવડ દેવડને વધુ મજબૂત કરવામાં આવનાર છે. આનો મતલબ એ થયો કે ૧૨ ડિઝીટમાં રહેલા આધાર નંબર ટૂંક સમયમાં જ તમામ કાર્ડ લેવડ દેવડની જગ્યા લઈ શકે છે. આ હિલચાલને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા નવી હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. ડિઝીટલ પેમેન્ટની દિશામાં તમામ અભિગમ અપનાવવામાં આવી રહ્યા છે. આધાર સંલગ્ન લેવડ દેવડ કાર્ડલેસ અને પીનલેસ રહેશે.
મોબાઈલ એન્ડ્રોઈડ ફોન ધારકો તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને ડિજીટલી રીતે લેવડ દેવડ કરી શકશે. ફિંગરપ્રિન્ટ અને અન્ય પ્રમાણપત્રોનો ઉલ્લેખ આમાં સીધી રીતે થઈ જશે. યુઆઈડીએઆઈના ડિરેકટર જનરલ અજય પાંડેનું કહેવું છે કે બહુપાંખીય વ્યૂહરચનાની જરૃર રહેશે. જેમાં મોબાઈલ મેન્યુફેકચર્સ, કારોબારીઓ અને બેન્કોની ભૂમિકા વધતી રહેશે. સરકાર દ્વારા પહેલાથી જ આ દિશામાં પહેલ કરવામાં આવી ચુકી છે. જુદી જુદી દિશાઓમાં સંબંધિતો સાથે વાતચીત શરૃ થઈ ચુકી છે.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારતમાં બની રહેલા તમામ મોબાઈલ આધાર નંબર સાથે મળીને કામ કરી શકે છે કેમ તે દિશામાં ધ્યાન આપવા મોબાઈલ મેન્યુફેકચરને કહેવામાં આવી ચુક્યું છે. અમિતાભ કાંત મુખ્યમંત્રીઓની કમિટીના ભાગરૃપે છે જે આગામી એક વર્ષની અંદર ડિજીટલ પેમેન્ટના અમલીકરણ માટે રૃપરેખા તૈયાર કરનાર છે. આ કમિટીની પ્રથમ બેઠક આજે યોજવામાં આવી હતી. કાંતના કહેવા મુજબ સરકાર કેશ ટ્રાન્ઝીકશનની બાબત વધારે મોંઘી બને તે દિશામાં પણ પહેલ કરી રહી છે. જેથી કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.
લોકોને ડિજીટલી ચૂકવણી કરવા માટે જાગૃત કરવામાં આવશે.નવી પહેલ કઈ રહેશે તે અંગે અમિતાભ કાંતે વિગત આપી નથી.૮મી નવેમ્બરના દિવસે સરકારે રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકી દીધા બાદ સરકારનું કહેવું છે કે ડિસેમ્બર ૩૦મી સુધી ડિજીટલ ટ્રાન્જેકશન ઉપર કોઈ ટેક્સ લાગું થશે નહીં. જ્યારે કારોબારીઓને પણ રાહત આપવામાં આવી છે. બીજી બાજુ આઈટી સેક્રેટરી અરૃણા સુંદરરાજનનું કહેવું છે કે મંત્રાલય દ્વારા ડિજીટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટે તથા કારોબારીઓની નોંધણી આગળ વધારવા ૧૦૦ કરોડ રૃપિયા તૈયાર રાખ્યા છે.