કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતાં પહેલાં જ ૨૨૫ ખેલાડીઓનું ભારતીય દળ કોમનવેલ્થ ગેમ્સના આયોજકોની નજરે ચડી ગયું છે, પરંતુ કારણ બહુ જ નકારાત્મક છે. કેટલાક ખેલાડીઓના રૂમમાંથી કહેવાતી સિરિંજ મળી હતી, જેના કારણે ભારતીય દળની પરેશાનીઓ વધી રહી છે.
ઓસ્ટ્રેલિયામાં આવતી કાલથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે જે સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવ્યું છે ત્યાં ભારતીય ખેલાડીઓના રૂમમાંથી કેટલીક સિરિંજ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ડોપિંગ રોકવા માટે સીજીએફએ ‘નો સિરિંજ પોલિસી’ ઘડી હતી. આમ છતાં સિરિંજ મળી. આ કારણે હવે અલગ અલગ બેચમાં આવી રહેલા ભારતીય ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત પહેલાં સિરિંજ વિવાદને બાજુએ મૂકીને ગઈ કાલે સ્પોર્ટ્સ વિલેજમાં ત્રિરંગો ફરકાવવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ખેલાડી ઘણા ખુશ હતા અને આખા બોક્સિંગ દળે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતીય બોક્સરો સિરિંજ વિવાદના કેન્દ્રમાં છે.
આવતી કાલે થનારા ઉદ્ઘાટન પહેલાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને તેમનો સપોર્ટ સ્ટાફ કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં પહોંચી ગયા છે. આયોજકોને આશા છે કે ૬૦૦૦ ખેલાડી અને ટીમના અધિકારીઓ માટે આ વિલેજ આરામદાયક અને સુરક્ષિત સાબિત થશે.