હળવદના ઇશ્વરનગર ગામમાં પંદર દિવસ પહેલા પટેલ પરિણીતાને તેના સસરાએ ‘તું રસોઇ બનાવવામાં કેમ વાર લગાડે છે?’ તેમ કહી ધોકાથી માર મારી બાદમાં કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી. આ પરિણીતાએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. જાણવા મળ્યા મુજબ ઇશ્વરનગરમાં રહેતી આશા વિનોદ ભાડજા, કડવા પટેલ, ઉ.૨૮ ને ૧૬/૩ના રોજ બપોરે બારેક વાગ્યે ગંભીર રીતે દાઝી જતાં મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસની તપાસમાં પ્રારંભે તો આશા રસોઇ બનાવતી વખતે દાઝી ગયાની વિગતો ખુલી હતી. પરંતુ બાદમાં હળવદ પોલીસે તપાસ કરતાં આશાને તેના જ સસરા મગન પરષોત્તમભાઇ ભાડજાએ ધોકાથી ફટકારી માર માર્યા બાદ કેરોસીન છાંટી સળગાવી દીધાનું ખુલતાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે ૧૭મીએ હત્યાની કોશિષનો ગુનો નોંધી સસરાને સકંજામાં લીધો હતો. બીજી તરફ ગંભીર રીતે દાઝેલી આશાને મોરબીથી વિશેષ સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી ગઇકાલે સિવિલમાં ખસેડાયેલ જેણે રાત્રે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે હળવદ પોલીસને જાણ કરી હતી. હત્યાનો ભોગ બનનાર આશાબેનના માવતર મોરબીના રામગઢ ગામે રહે છે. પિતાનું નામ મોહનભાઇ દેવશીભાઇ પનારા અને માતાનું નામ મંજુલાબેન મોહનભાઇ પનારા છે.તેણી પાંચ બહેન અને એક ભાઇમાં ચોથા નંબરે હતી. તેના લગ્ન ઇશ્વરનગરના મગન ભાડજાના ત્રણ પુત્રો પૈકી વચેટ દિકરા વિનોદ સાથે પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર વીર છે જે દોઢ વર્ષનો છે. માતાના મોતથી આ માસુમ નોધારો થઇ ગયો છે. પોલીસ તપાસમાં એવુ ખુલ્યું હતું કે ૧૬ માર્ચના શુક્રવારે આશાના સસરા મગન ભાડજા બપોરે ઘરે જમવા આવ્યા ત્યારે રસોઇ તૈયાર થઇ ન હોઇ સસરાએ ઉશ્કેરાઇ જઇ પુત્રવધૂ આશા સાથે ઝઘડો કર્યો હતો અને રસોઇ કેમ મોડી બનાવે છે, કેમ આટલી વાર લાગે છે, તેમ કહેતાં માથાકુટ વધી ગઇ હતી. એ વખતે ઉગ્ર થયેલા સસરા મગન ભાડજાએ ઉશ્કેરાઇ જઇ આશાના માથામાં ધોકો ફટકારી દીધો હતો. તેણી પડી જતાં તેના પર કરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી. દેકારો મચી જતાં પડોશીઓ દોડી આવતાં સસરો ભાગી ગયો હતો. જો કે બીજા દિવસે તેને પોલીસે સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે ગુનો કબુલી લીધો હતો. આ બનાવમાં હવે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ કરી છે. હળવદ પી.આઇ. એમ. આર. સોલંકી અને સ્ટાફ વિશેષ તપાસ કરી રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.