રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઇલમાં પાર્સલ ટાઈમ બૉમ્બ બ્લાસ્ટમાં પોલીસે બૉમ્બ મુકનાર ડોલી નામની મહિલાને ઝડપી લીધી છે.
જે મોબાઈલ શોપમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો તેના ભવારામ ચૌધરીએ ગત 7 તારીખને શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં, પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે એ પાર્સલમાંથી ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહિલે કરેલી તપાસમાં ધંધાકીય હરીફાઈ મામલો સામે આવ્યો હતો અને એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાની પૂછતાછ દરમિયાન પાર્સલ મૂકી જનાર ડોલી નામની મહિલીનું નામ ખૂલતા પોલીસે ડોલીની કરેલી ધરપકડ બાદ આખો ભેદ ઉકેલાઈ ગયો હતો.
વિગતો મુજબ ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંને વ્યક્તિ ભાડાની દુકાન ધરાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ વ્યક્તિ હોઈ, ધંધાકીય હરીફાઇમાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસેની દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી તેણે પોતાને ભાડે આપવા દુકાનમાલિક પાસે પ્રયાસ કર્યા હતા.
મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કર્યો
ધંધો છીનવવા અને ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા કાલારામ અને તેના સાળા શ્રવણે કાવતરું રચ્યું હતું. બંનેએ સૂતળી બોમ્બનો દારૂગોળો કાઢી એને એક કોથળીમાં નાખ્યો હતો અને એમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો અને એમાં ટાઇમ સેટ કર્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરી લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી હતી અને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાની ભૂમિકા તેને સોંપી હતી. ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે એ બોમ્બ બ્લાસ્ટ થતા આગ લાગી હતી.
આમ,પોલીસે ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.