રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરીમાં ખેડૂતને સ્વખર્ચે માટી લઇ જવાની છૂટ અપાઇ હતી જેમાં બે વર્ષ સુધી પરમીટ અપાઇ હોય તેવા ખેડૂતોને ત્રીજા વર્ષે પરવાનગી આપવી નહીં તેવી શરત નક્કી થઇ હતી પરંતુ આ તઘલખી જી.આર.ને લીધે ધરતીપુત્રોને અન્યાય થતો હોવાનું જણાવી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઇ વિભાગના સચિવને ભલામણ કરીને પરિપત્રમાં ફેરફાર કરી ખેડૂતોને માટી લઇ જવા માટે છૂટ મળવી જોઇએ તેવી માંગ કરી હતી અને સરકારે હકારાત્મક નિર્ણય લઇને માટી લઇ જવાની ત્રીજા વર્ષે પણ આપી હોવાનું જાહેર થયું છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત તળાવોને ઉંડા કરવા માટે ખેડૂતોને સ્વખર્ચે માટી ઉપાડીને પોતાના ખેતરમાં પાથરવાની છૂટ આપેલ હતી અને પરિપત્ર કરીને જે તે જિલ્લાના નોડલ ઓફિસરને સતા આપીને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બનાવેલી કમીટીમાં મંજૂરી મેળવીને ખેડુતોને જામીન સુધારણા માટે પરમીટ આપવાની જોગવાઇ કરેલ હતી.આ જોગવાઇમાં એક શરત એવી નાખી હતી કે છેલ્લા વર્ષોમાં સદરહુ યોજના અંતર્ગત જે તળાવમાં ૨ વર્ષ સુધી પરમીટ અપાયેલી હોય તે તળાવમાં આ યોજના હેઠળ ખેડૂતોને માટી ઉપાડવાની પરવાનગી આપવી નહીં.
આ તઘલખી જી.આર.ને કારણે પોરબંદર જિલ્લામાં મોટા ભાગના તળાવોમાંથી ખેડુતોને માટી ઉપાડવાની પરવાનગી આપી શકાતી ન હતી. આ બાબતે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને લેખિત અને મૌખિક રજુઆત કરી હતી કે આ જે ખેડુતો સ્વખર્ચે માટી ઉપાડવા માંગતા હોય એને જે તે તળાવમાંથી બે વર્ષ સુધી માટી ઉપાડી હોય તો પણ ખેડુતોને પરવાનગી આપવી જોઇએ.નનઆ બાબતે સિંચાઇ વિભાગના સચિવને ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને મળીને આ તઘલખી જી.આર.માં સુધારો કરવા જણાવાયું હતું. તેથી આ બાબતે સચિવે નવો જી.આર. કરાવીને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવાની ખાત્રી આપી હતી.
આ બાબતે સિંચાઇ વિભાગે ગઇકાલે સાંજે નવો જી.આર. કરીને પોરબંદર જિલ્લાના નોડલ ઓફિસરને મોકલી આપ્યો છે અને નોડલ ઓફિસર આજે જિલ્લા કલેકટર કક્ષાની સમિતિમાં પુટઅપ કરશે અને સમિતિની મીટીંગ મળ્યે ખેડુતોને સ્વખર્ચે માટી ઉપાડવાની પરમીટ આપવાની કાર્યવાહી શરૂ કરશે. ખેડૂતોને સ્વખર્ચે માટી ઉપાડવાની પરવાનગી મેળવવા માટે દાખલારૂપ પ્રયત્ન કરવા બદલ પોરબંદર જિલ્લાના ખેડુતોએ ધારાસભ્ય અર્જુનભાઇનો આભાર માન્યો હતો અને ખેડૂતો હવે ત્રીજા વર્ષે પણ માટી સ્વખર્ચે ઉપાડી શકશે તેવી મંજૂરી અપાતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
