નડિયાદમાંથી ડુપ્લિકેટ હળદર બનાવવાનું એક કારખાનું ઝડપાયું છે. નડિયાદ ટાઉન પોલીસે દરોડો પાડીને આ કારખાનું ઝડપી પાડ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, હળદળ પાવડર બનાવવા માટે કારખાનમાં સૂકી હળદળ જ નહોતી. ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસને બાતમી મળી હતી કે, ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે નડિયાદના મિલ રોડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં મોટી માત્રામાં કેમિકલ ઉતારાયું છે. આથી પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પરંતુ, જ્યારે પોલીસ તે સ્થળ પર પહોંચી તો ડુપ્લિકેટ દારૂના કેમિકલના બદલે ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું. આ મામલે તપાસ કરતા પોલીસને જાણ થઈ કે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરી તેને મશીનમાં દળતા હતા અને નકલી હળદર પાવડર બનાવતા હતો. આશ્ચર્યની વાત એ છે કે કારખાનામાં ક્યાંય સૂકી હળદળ જોવા મળી નહોતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લેબ મોકલ્યા
નડિયાદ શહેર પોલીસે આ મામલે નડિયાદ સ્થિત જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્યાં પહોંચી અને ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલ લઈ પૃથ્થકરણ અંગે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ મામલે નડિયાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.