અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કોલેજમાં સાથે અભ્યાસ કરતાં મિત્રે જ યુવતી સાથે અભદ્ર માગણી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. યુવતીને હોટલમાં જવા માટે આરોપી યુવક વારંવાર દબાણ કરતો હતો. આથી અંતે કંટાળીને યુવતીએ મિત્ર યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કુબેરનગરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેની સાથે અભ્યાસ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આથી બંને મોબાઇલ પર વાતચીત કરતા હતા. દરમિયાન યુવકે યુવતીને પ્રેમસંબંધ માટે પ્રપોઝ કર્યું હતું. જો કે, યુવતીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમ છતાં યુવક વારંવાર યુવતીને પ્રેમસંબંધ માટે કહેતો હતો. પરંતુ, યુવતી માત્ર સારા મિત્ર તરીકે જ વાતચીત કરવા માટે કહ્યું હતું. દરમિયાન આરોપી યુવકે વોટ્સએપ પર કહ્યું હતું કે, તારે મને કિસો કરવી પડશે અને માત્ર એક કિસથી કંઇ નહીં થાય એક કિસથી ખબર પણ નહી પડે અને મજા પણ નહીં આવે. ઉપરાંત, યુવકે યુવતીને રવિવારના દિવસે ક્યાંક રૂમ પર કે હોટેલ પર જવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.
આરોપીએ યુવતીના ભાઈને પણ ધમકી આપી
જો કે યુવતી માત્ર ફિલ્મ જોવા માટે જ કહ્યું હતું. બીજે હોટેલ કે રૂમ પર જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ, તેમ છતાં યુવતી કોલેજ આવે ત્યારે આરોપી તેને એકાંતમાં અથવા હોટેલમાં લઇ જવાની વાત કરતો હતો. દરમિયાન યુવકે યુવતીના ભાઈને પણ ગાળો બોલીને ધમકી આપી હતી. આથી અંતે કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.