મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લેવા માટે મંગળવારે એટલે કે 4 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કાશ્મીર પહોંચી હતી. ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ શુક્રવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી હતી. ભેજાબાજ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ સિંધુ ભવન રોડ પર આવેલો ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો આરોપ છે.
36 કલાકનો પ્રવાસ કરી કિરણ પટેલને અમદાવાદ લવાયો
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ 36 કલાકનો પ્રવાસ કરી કિરણ પટેલને અમદાવાદ લાવી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રાન્સફર વોરન્ટ ઇશ્યૂ થયા બાદ કિરણ પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી લઈને ક્રાઇમ બ્રાંચ દ્વારા અમદાવાદ લવાયો છે. ગુજરાતમાં બ્લફ માસ્ટર કિરણ પટેલ સામે ત્રણ કેસ નોંધાયા છે. કિરણ પટેલે પીએમઓના નકલી એડિશનલ ડાયરેક્ટર બનીને સરકારી ખર્ચે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેણે સંવેદનશીલ સ્થળોની મુલાકાત લીધી હતી અને સરકારી ખર્ચે ઝેડ પ્લસ સિક્યોરિટી, ફાઇવ સ્ટાર હોટેલ, બુલેટ પ્રૂફ કારની પણ મજા માણી હતી. જો કે, તેની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતા જમ્મુ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાનો આરોપ
માહિતી છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં બપોરે 3 વાગ્યે રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડ માગશે. મહાઠગ કિરણ પટેલે અનેક લોકોને ઠગ્યા હોવાની વિગતો પણ સામે આવતા તેની પૂછપરછ માટે રિમાન્ડ માગવામાં આવશે. કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ પર આરોપ છે કે તેમણે સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યના પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુ ભવન રોડ પર આવેલો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડી તેમ જ રિનોવેશનના 35 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ મામલે કિરણ પટેલની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે બંનેની પૂછપરછ હાથ ધરાશે.
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી!
મીડિયા અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન માસ્ટર માઇન્ડ કિરણ પટેલે ઓછામાં ઓછા બે IAS અધિકારી, સ્થાનિક ભાજપ અને આરએસએસના કેટલાક કાર્યકરો, કેટલાક જુનિયર અધિકારીઓ અને મુખ્ય સરકારી અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેને બેઠક યોજી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે પણ તેની પૂછપરછ કરવામાં આવશે.