સુરતના વરાછામાં જીએસટી કર્મચારીએ બે તેના ખાનગી માણસો (મળતીયાઓ) સાથે રાખી વેપારી પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી આચરી છે. જીએસટી અધિકારી બનીને આવેલા ત્રણ ઈસમોએ સાડીના વેપારીને ડરાવી 12 લાખ પડાવી લીધા હતા.
લોકોને છેતરી પૈસા પડાવવાના અવનવા કીમિયા આપણે રોજ સાંભળીએ છીએ ત્યારે સુરતમાં નકલી જીએસટી અધિકારી બનીને આવેલા ત્રણ ઈસમોની આ છેતરપિંડી પણ સામે આવી છે. સમગ્ર મામલે વેપારી એ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જી.એસ.ટી. કર્મચારી સહિત બે ખાનગી લોકોની ધરપકડ કરી છે. સુરત શહેરમાં અવનવી રીતે ધાક ધમકી આપી રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી રહી છે. તેવી જ ઘટના બોમ્બે માર્કેટના ચણિયા ચોળીના વેપારી સાથે બની છે. રાજસ્થાનના જોધપુરના વતની અને છેલ્લા ૧૦ વર્ષથી વરાછા જુની બોમ્બે માર્કેટમાં સાડીનો વેપાર કરતા ધીરેન્દ્રસિંહ ઉર્ફે ધીરજ મંગલસિંહ રાજપુરોહીતએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
૮૦ લાખ જીએસટી ભરવું પડશે, ૧૦ વર્ષ જેલમાં જવું પડશે તેમ આપી ધમકી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઇ તા.૩૦ માર્ચના રોજ રાબેતા મુજબ ધીરેન્દ્રસિંહ તેમની ધીરજ ફેશન નામની દુકાને હાજ૨ હતા તે સમયે સાંજે પાંચ વાગતા ત્રણ અજાણ્યા દુકાનમાં પ્રવેશી ગયા હતા.ત્રણ પૈકી એકના હાથમાં ભારત સરકારના લોગો વાળી ફાઇલ હતી. આ વ્યક્તિ જી એસ.ટી.નો કર્મચારી હતો સાથે અન્ય બે ખાનગી વ્યક્તિઓ પણ હતા. તમામે જીએસટી અધિકારીની ઓળખ આપી હતી અને દુકાનમાં રેડ કરી હતી. જીએસટી વિભાગના કર્મચારીને જોઈ ધીરેન્દ્રસિંહ ગભરાઇ ગયા હતા. વેપારી ધીરેન્દ્રસિંહને જીએસટીનાં અધિકારીની ઓળખ આપનાર લોકોએ ૮૦ લાખ જીએસટી ભરવું પડશે નહીં તો કેસ થશે અને ૧૦ વર્ષ જેલમાં જવું પડશે તેમ જણાવ્યું હતું. ૮૦ લાખ ન હોવાનું ધિરેન્દ્રસિંહે જણાવતા દંડ પણ ન ભરવો પડે અને સેટલમેન્ટ કરવું હોય તો ૪૫ લાખ રૂપિયા માંગ્યા હતા. વાત-ચીત બાદ વેપારી ધીરેન્દ્રસિંહે રોકડા રૂ.૭ લાખ અને ઘરેથી ૫ લાખ મળી કુલ રૂ. ૧૨ લાખ રૂપિયા આપ્યા હતા. બળજબરીથી ડરાવીને જીએસટીનાં અધિકારીના નામે રૂપિયા કઢાવી લીધા બાદ ત્રણેય ઠગબાજો જતા રહ્યા હતા.
ચાર્ટડ એકાઉન્ટન્ટે જાણ કરતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
બાદમાં આ અંગે વેપારી ધીરેન્દ્રસિંહે તેમના સીએને આખા મામલાની જાણ કરી હતી. ત્યારે ચાર્ટડ એકાઉન્ટન્ટે આ રીતે જીએસટીના અધિકારી દંડ પણ ન લે અને દુકાન તેમજ સીસીટીવી બંધ કરાવીને કોઇપણ કામગીરી ન કરે તેમ જણાવતા ત્રણેય જણ અધિકારીઓનાં નામે રૂપીયા કઢાવી ગયા હોવાની ખાતરી વેપારીને થતા તેમને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા જે જી.એસ.ટી અધિકારી બનીને રેડ કરવા આવ્યા હતા તે જીએસટી કર્મચારી છે. જોકે તેને રેડ કરવાની કોઈ સત્તા નથી તેમ છતાં તેણે અન્ય બે મળતીઆઓ સાથે રેડ કરી હતી અને વેપારીના જીએસટી બિલ જોઈને કહ્યું કે ૭ ટકા જીએસટીના ડીફરન્સ મામલે તારે દંડ ભરવો પડશે એમ કહી ધમકાવ્યા હતા.
પોલીસે જીએસટીના કર્મચારી અને બે મળતીયાઓને પકડી પાડ્યા
પોલીએ આ મામલે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી રાકેશ કુમાર શર્મા છે. જે પ્રાપ્ત સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવે છે જે પોતાના મળતિયાઓને સાથે રાખી રેડ પાડે છે, આ ઘટનામાં પણ રાકેશ શર્માએ પોતાના બાતમીદારો પાસેથી માહિતી મેળવી દુકાનમાં રેડ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ દુકાનમાં પહોંચી દુકાનનો દરવાજો બંધ કરી, ધમકાવી સીસીટીવીના ફૂટેજ પણ બંધ કરાવી દીધા હતા. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.