અમદાવાદમાં મોટા ભાગના બ્રિજ બિસ્માર અવસ્થામાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરનો વધુ એક બ્રિજ લોકોના અવરજવર માટે જોખમી બન્યો છે. ઔડા દ્વારા લગભગ 25 વર્ષ પહેલા 8 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો પંડિત દીન દયાલ ઉપાધ્યાય ઓવરબ્રિજ કે જેને ચાંદલોડીયા ઓવરબ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, તેનો રેલવે પોર્શન બિસ્માર બનતા તેની નીચે ટેકા મૂકવામાં આવ્યા છે.
છેલ્લે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું સમારકામ
ઉલ્લેખનીય છે કે, ચાંદલોડિયા બ્રિજ નીચેથી રોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. ત્યારે આ બ્રિજ નીચે જે રીતે ટેકા મૂકવામાં આવ્યા છે તેને જોઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રિજની નજીક રહેતા અને તેની ઉપરથી અવરજવર કરતા લોકોને પણ જીવનું જોખમ વર્તાઈ રહ્યું છે. ત્યારે બ્રિજ પરથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોવાથી લોકોની સલામતીને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ પહેલા ચાંદલોડિયા બ્રિજનું સાલ 2016માં સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.
બ્રિજ નિર્માણમાં રૂ.8 કરોડનો ખર્ચ થયો હતો
મીડિયા અહેવાલ મુજબ, વર્ષ 1998માં ચાંદલોડિયા વોર્ડમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે ઔડા દ્વારા રૂ. 8 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું નિર્માણકાર્યની જવાબદારી રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા.લિ.ને સોંપવામાં આવી હતી. ચાંદલોડિયા બ્રિજનું સમારકામ છેલ્લે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું, જ્યારે ફરી એકવાર બ્રિજના સમારકામની ફરજ પડી છે. સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ, બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. હાલ સમારકામ માટે બ્રિજની નીચે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા છે. જોકે, આ રિપેરિંગની આ કામગીરી ક્યાર પૂર્ણ થશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રે સજાગ રહેવાની જરૂર છે.