જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે પોલીસ જવાનોને તાલીમ અપાશે, એસ.પી. કલેક્ટર સાથે મુખ્ય સચિવે આ મામલે બેઠક પણ કરી છે. જો કે, પરીક્ષા સાથે જોડાયેલા લોકોની આજે ટ્રેનિંગ યોજવામાં આવી રહી છે. આ વખતે જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કોઈ ગેરરીતી ના રહે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. ગત વખતે પેપર લીક થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો ત્યારે આ વખતની તંત્ર તરફની તૈયારીઓને લઈને આઈપીએસ હસમુખ પટેલે કેટલીક જરુરી માહિતી આપી હતી.
જૂનિયર ક્લાર્કની 9 એપ્રિલના રોજ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ મામલે આઈપીએસ હસમુખ પટેલે કહ્યું કે, મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી છે. જેમાં કલેક્ટર, ડીડીઓ, પોલીસ અધિકારી અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. આ ઉપરાંત ખાસ કરીને પરીક્ષાના એક દિવસ પહેલા 8 એપ્રિલના રોજ પરીક્ષામાં જોડાયેલા પોલીસ જવાનોની તાલીમ પણ લેવાશે. આજે પરીક્ષા સાથે સંકળાયેલા લોકોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિધાનસભામાં પસાર થયેલો કાયદો ગેરરિતી સામે થશે લાગુ
આ વખતે કાયદો વિધાનસભામાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જતા લેવાનારી પરીક્ષામાં ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023નો કાયદો પરીક્ષામાં લાગુ રહેશે. સરકારે પણ કાયદો પસાર કરાયા બાદ જ પરીક્ષાનું આયોજન કર્યું છે.
પ્રશ્નપત્ર લાવી આપવાનો વાયદો કરવો પણ ગુનો
ખાસ કરીને હસમુખ પટેલે પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કાવતરું કરીને ગેરરીતી આચરવા મામલે પણ ઓછામાં ઓછી 5 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ સુઘીની સજાની જોગવાઈ છે. નિયત સમય કરતા પહેલા સામગ્રી ખોલવી એ પણ ગુનો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને હસમુખ પટેલે વધુમાં કહ્યું કે, પ્રશ્નપત્ર લાવી આપવાનો વાયદો કરવો પણ ગુનો બને છે. આ ઉપરાંત પ્રશ્નપત્રને લગતી ગુપ્ત માહિતી બહાર પાડવી પણ ગુનો બને છે. પરીક્ષામાં ગેરરીતી કરવાની કોઈ હિંમત નહીં કરે. પરીક્ષામાં ગેરરીતી કરનારને અમે છોડીશું નહીં તેમ હસમુખ પટેલે કહ્યું હતું.