ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર શરૂ થઈ જતી હોય છે, પણ હવે તો શહેરી વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ નું નિર્માણ થયું હોય તેવું લાગે છે. મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા પાવનસિટી ફ્લેટ્સ માં પાણીને લઇને મહિલાઓ રણચંડી બની અને હોબાળો મચાવ્યો હતો. મહિલાઓ થાળી વેલણ સાથે બિલ્ડર ની ઓફિસ પર પહોંચી હતી જ્યાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
પાવનસિટી ફ્લેટ માં 400 ઉપરાંત પરિવાર નો વસવાટ છે, સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, ફ્લેટ ખરીદતી સમયે ચોવિસ કલાક પાણી આપવાનો વાયદો કર્યો હતો, જોકે હવે પાણીમાં અચાનક કાપ મુકી દેવાતા હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે. મહિલાઓએ આ પણ આક્ષેપ કર્યો હતો કે, બિલ્ડર દ્વારા નવા ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેને કારણે પાણીનો ઉપયોગ બાંધકામમાં થઈ રહ્યો છે, જેને કારણે પાણી નો કાપ લગાવી દેવાયો છે.
આ બાજુ બિલ્ડર વિનુભાઈ પટેલે તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, કુદરતી રીતે પાણીનો સ્ત્રોત ઘટી રહ્યો છે. પાણીની તંગી ન સર્જાય તે માટે પર ફ્લેટ માં પ્રતિદિવસ 2 હજાર લીટર પાણી પુરૂ પાડવામાં આવે છે, જે સરકારી ધારા-ધોરણ મુજબ છે. નવીન તૈયાર થઈ રહેલા ફ્લેટ પર પાણીના ઉપયોગ પર બિલ્ડરે જણાવ્યું કે, તેમના ફ્લેટ આર.સી.સી. થી તૈયાર થઈ રહ્યા છે, જેથી પાણીનો વધારો ઉપયોગ નથી થતો. ફ્લેટ માલિકોને ચોવિસ કલાક પાણી આપવાના આક્ષેપો સાથે એમપણ જણાવવામાં આવ્યું હતું કે, પ્રતિ દિવસ 700 લિટર પાણી આપીશું,
મોડાસાના પાવનસિટી ફ્લેટમાં હાલ તો પાણીને લઇને ભારે હોબાળો અને સુત્રોચ્ચાર વચ્ચે સ્થાનિક રહીશો બિલ્ડરની ઓફિસમાં ધસી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે એ વાત પણ સાચી છે કે, જે વિસ્તારોમાં જરાય પાણી નથી મળતું અથવા તો પાણી માટે વલખા મારવા પડે છે, તે લોકોને જોઈને આપણને કેટલું પાણી મળે છે તેના પર નજર કરવી જોઈએ. જેથી પાણીનો બગાડ ઓછો થાય અને પાણી બચી શકે.