આઝાદીથી લઈને અત્યાર સુધીમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પેટની આગ બુઝાવવા માટે સામાન્ય જનતા લોટની લૂંટપાટ કરવા પર આવી ગઈ છે અને તેને કાબૂમાં લેવા માટે સુરક્ષા જવાનોને બંદૂકોનો સહારો લેવો પડી રહ્યો છે. દરમિયાન, તાજેતરમાં કરાચીમાં સસ્તો લોટ અને રાશન લેવા આવેલી ભીડ નાસભાગનો શિકાર બની, જેમાં 3 બાળકો અને 8 મહિલાઓ સહિત 11 લોકોના મોત થયા.
દેશમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ચરમસીમાએ પહોંચી જવાને કારણે લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકવા અક્ષમ છે અને એટલે જ લોકો ચોરી અને લૂંટપાટ પર ઉતરી આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં ગરીબ પાકિસ્તાનમાં અપરાધના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે પાકિસ્તાને જૂનમાં લગભગ $3 બિલિયનનું દેવું પણ ચૂકવવાનું છે, જે તેના વર્તમાન સંજોગોમાં તેના માટે મોટી સમસ્યા બની ગયું છે.
પાકિસ્તાનની હાલત દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે અને સામાન્ય જનતાનો ગુસ્સો વધી રહ્યો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સતત ખરાબ થઈ રહી હોવાથી મોંઘવારી દર મહિને એક નવો રેકોર્ડ બનાવી રહી છે. દેશના સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે અને શાહબાઝ સરકારે તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે હાથ ઊંચા કરી દીધા છે.
એટલું જ નહીં, પાકિસ્તાની મીડિયા અનુસાર, દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની સાપ્તાહિક અને માસિક કિંમતો પહેલેથી જ આસમાને છે અને હવે નાણા મંત્રાલયે પાકિસ્તાનના લોકોને ચેતવણી આપી છે કે મોંઘવારી વધુ વધી શકે છે. સરકારની આ ચેતવણીથી સ્પષ્ટ છે કે નાદારીની આરે ઉભેલા દેશમાં લોકોની મુશ્કેલીઓ વધુ વધવાની છે.
દરમિયાન, એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાન – સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પોલિસી રેટમાં 200 બેસિસ પોઈન્ટનો વધુ વધારો કરી શકે છે. જો આમ થશે તો વ્યાજ દર રેકોર્ડ 22 ટકા સુધી પહોંચી જશે. પાકિસ્તાનમાં વિક્રમજનક ફુગાવા વચ્ચે છેલ્લા કેટલાક મહિનામાં ઘરવપરાશની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. વાસ્તવમાં, માર્ચ 2023ના પ્રથમ સપ્તાહમાં, SBPએ વ્યાજ દરોમાં 300 bpsનો વધારો કરીને 20 ટકા કર્યો હતો.
મોંઘવારીએ પાંચ દાયકાનો રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનમાં ગહન આર્થિક સંકટ વચ્ચે મોંઘવારીએ પણ તેનો પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષના આધાર પર માર્ચમાં મોંઘવારી દર 35.37 ટકા પર પહોંચી ગયો છે. પાકિસ્તાન સરકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી $1.1 બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે નીતિમાં ફેરફાર કર્યો હતો. તેના કારણે વ્યાજદરમાં વધારો થયો અને તેની અસર ઘણી વસ્તુઓ પર જોવા મળી છે.
ઘટતા જતા વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે પાકિસ્તાન દૈનિક જરૂરિયાતની વસ્તુઓની આયાત કરી શકતું નથી. જેના કારણે લોકોએ લોટ અને દાળ જેવી વસ્તુઓ માટે અનેક ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. જો તમે સરકારી આંકડાઓ પર નજર નાખો તો પાકિસ્તાનમાં મહિના દર મહિનાના આધાર પર મોંઘવારી દર 3.72 ટકા હતો.
આર્થિક સંકટ વચ્ચે, ઘઉંની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં લોટની કિંમત આસમાને પહોંચી ગઈ છે અને લોકોની થાળીમાંથી રોટલી લગભગ ગાયબ થઈ ગઈ છે. ગયા શુક્રવારે કરાચીમાં ચેરિટી રાશનના વિતરણ દરમિયાન થયેલી નાસભાગમાં 11 મહિલાઓ અને બાળકોના કથિત રીતે મોત થયા હતા તે હકીકત પરથી લોટ માટેના ધમાસાણનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા પણ લોટ માટે લડાઈ અને લૂંટના અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે.
22 માર્ચ 2023ના રોજ ખતમ થયેલા અઠવાડિયામાં પાકિસ્તાનમાં મોંઘવારી દર 47% રહ્યો છે. ગયા વર્ષે ડુંગળીના એક કિલોના ભાવ 40 રૂપિયા હતા, જે હાલમાં 131 રૂપિયામાં વેચાય છે. 20 કિલો ઘઉં ગયા વર્ષે 1172 રૂપિયામાં મળતા હતા જયારે અત્યારે તેની કિંમત 2586 રૂપિયા થઈ ચુકી છે. બીજી ખાદ્ય વસ્તુઓના ભાવ પણ આસમાને છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. ડીઝલનો ભાવ ગયા વર્ષે 145 રૂપિયા પ્રતિ લીટર હતો જે હાલમાં 294 રૂપિયા થઈ ગયો છે અને પેટ્રોલનો ભાવ પણ 151 રૂપિયા પ્રતિ લીટરથી વધીને એક વર્ષમાં 273 રૂપિયા પર પહોંચી ગયો છે.
પાકિસ્તાનનું કુલ દેવું અને જવાબદારી 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેશની જીડીપીના 89 ટકા છે. આ દેવમાંથી લગભગ 35 ટકા માત્ર ચીનનું છે, તેમાં ચીનની સરકારી વ્યાપારી બેંકોનું દેવું પણ સામેલ છે. પાકિસ્તાન પર ચીનનું 30 અબજ ડોલરનું દેવું છે, જે ફેબ્રુઆરી 2022માં 25.1 અબજ ડોલર હતું.