અરવલ્લી જિલ્લામાં હાલ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગ છે, બે દિવસ પહેલા બાયડમાં બાઈક સવાર પરિવારને અકસ્માત નડ્યો હતો તો હવે ભિલોડા પંથકમાં વૃદ્ધને અકસ્માત નડ્યો હતો. ભિલોડાના ધુલેટામાં કરિયાણું લેવા પાલ્લા જાઉં છું કહી સાયકલ પર નીકળેલા 60 વર્ષીય વૃદ્ધને બાઇક ચાલકે ટક્કર મારતાં આધેડના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાવધુ સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત કરીને ચાલક બાઇક મૂકીને ભાગી છુટ્યો હતો. ધુલેટામાં રામજીભાઈ રૂપાજી ડામોર સાંજે કરિયાણું લેવા સાયકલ પર નીકળ્યા હતા. દરમિયાન વૃદ્ધને બાઇક એ ચાલકે ટક્કર મારતાં સાયકલ ચાલક રામજીભાઈ રૂપાજી ડામોર (60) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા હતા.
બાદમાં વધુ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા બાઇક ચાલક અને તેના ઉપર સવાર અન્ય બે શખ્સો બાઇક મૂકીને ભાગી છૂટ્યા હતા. આ અંગે જયંતીભાઈ રામજીભાઈ ડામોરે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચાલક વિશાલભાઈ જયંતીભાઈ ડામોર રહે. ધુલેટા તા. ભિલોડા વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.