કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનું સેલવાસ સ્માર્ટ સીટી તરફ ડગ માંડી રહ્યું છે. ત્યારે દેશના અન્ય શહેરોની તુલનાએ સેલવાસ એક એવું શહેર છે. જેમાં પ્રશાસન ઇલેક્ટ્રિક બસ સેવા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચલાવે છે. આ ઇલેક્ટ્રિક બસ વાપી સહીતના દૈનિક 16 રૂટ પર 118 ટ્રીપ દ્વારા 6800 મુસાફરોને તેના ગંતવ્ય સ્થાને પહોંચાડી રહી છે.
પર્યાવરણને સ્વચ્છ રાખવામાં અનોખી ભૂમિકા પ્રદાન કરી
કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વ્હિકલનો વધુમાં વધુ ઉપયોગ થાય તે દિશામાં પહેલ કરી છે. જો કે, કેન્દ્ર સરકારની આ પહેલથી એડવાન્સ રહી દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસને ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરી છે. જેના થકી અત્યાર સુધીમાં 1300 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનની બચત કરી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં અનોખી ભૂમિકા પ્રદાન કરી છે. સેલવાસ સ્માર્ટ સીટી તરીકે લોકપ્રિય બનેલી આ ઇલેક્ટ્રિક બસ સેવા અંગે દાદરા નગર હવેલીના RDC ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, સેલવાસ સ્માર્ટ સીટી બસ સેવાને શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં અનેક નેશનલ-ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે.
સેલવાસ, દમણ, વાપી શહેરમાં દોડે છે
આ સિલવાસા સ્માર્ટ સિટી બસ સર્વિસ એક એવી સર્વિસ છે. જે એક શહેર પૂરતી નહિ પરંતુ 35 કિલોમીટર દૂર દમણ સુધી વિસ્તરેલી છે. સેલવાસ, દમણ, વાપી શહેર ઉપરાંત આ બસ સર્વિસ દાદરા નગર હવેલીના દુરદરાજના ગ્રામ્ય વિસ્તારોની ટ્રીપ કરે છે. આ બસ ઇલેક્ટ્રિક ચાર્જથી ચાલતી ઇલેક્ટ્રિક બસ છે. જેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. અત્યાર સુધીમાં 1300 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડયું છે. બસને ઇલેક્ટ્રિકથી ચાર્જ કરી સતત દોડતી રાખવા સેલવાસ, ખાનવેલ અને દમણમાં ખાસ Charging Station ઉભા કરવામાં આવ્યા છે.
25 ઇલેક્ટ્રિક બસ અલગ અલગ 16 રૂટ પર 118 ટ્રીપ મારે છે
2 વર્ષ પહેલાં ગણતરીના રૂટ પર શરૂ થયેલ આ બસ સેવામાં હાલ 25 ઇલેક્ટ્રિક બસ અલગ અલગ 16 રૂટ પર 118 ટ્રીપ મારે છે. જેમાં માત્ર 45 રૂપિયા સુધીમાં દૈનિક 6800 મુસાફરો તેમના નિર્ધારિત ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. મહિને સરકારની તિજોરીમાં 45 લાખની આવક થાય છે. EVEY TRANS પ્રાઇવેટ લિમિટેડ એજન્સી સાથે PPPના ધોરણે ચાલતી સિલવાસા સ્માર્ટ સિટી બસ સેવા સ્થાનિક ગ્રામ્ય મુસાફરો માટે, શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ માટે, ઉદ્યોગોમાં રોજગારી માટે જતા કામદારો ઉપરાંત અહીંના પ્રવાસન સ્થળો પર ફરવા આવતા પ્રવાસીઓ માટે સુરક્ષિત અને એ સમય-મોંઘા ભાડાની બચત કરતી ઉત્તમ સેવા છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ACની ઠંડક આપે છે. આ બસ મુસાફરોને વરસાદની સીઝનમાં ભીંજાતા બચાવે છે. શિયાળામાં ઠંડીથી બચાવે છે. ટૂંકમાં ઑલ વેધર કનેક્ટિવિટી માટેની ઉત્તમ સેવા છે. કેન્દ્ર સરકારે પણ ઇલેક્ટ્રિક વાહનના વપરાશ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જે ધ્યાને રાખી આગામી દિવસમાં હજુ વધુ ઇલેક્ટ્રિક બસ સાથે સિલવાસા સ્માર્ટ સીટી બસ સેવાનો વિસ્તાર વધારવાની નેમ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસનની છે.