વલસાડ જિલ્લાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. ચાલતા આંબા તરીકે ઓળખાતું આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું હોવાની અને દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનથી દૂર ખસતો હોવાની માન્યતા છે. તો, આંબાના પાન ડાયાબિટીસમાં જ્યારે તેની છાલ પેટના દર્દમાં દવા તરીકે કામ આવતી હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે.
આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે 2011થી હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. ચાલતા આંબા તરીકે ઓળખાતું આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું હોવાની અને દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનથી દૂર ખસતો હોવાની માન્યતા છે. આ આંબા સાથે જોડાયેલ લોક વાયકા અને માન્યતા અંગે વાડી માલિક મોહમદ ઓશૈફ વલિમિયા અચ્છુએ જણાવ્યું હતું કે, તેમના જન્મ પહેલાથી આ આંબો તેમની વાડીમાં છે. આંબા વિશે તેમના મોટાભાઈ અબ્દુલહાફિઝ વલિમિયા અચ્છુ અને પિતા વલિમિયા એહમદ અચ્છુ પાસેથી સાંભળવા મળ્યું છે કે, આંબો દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનેથી આગળ વધે છે. એટલે તેને બધા ચાલતો આંબો કહે છે. લોક વાયકા મુજબ તે અંદાજિત સાડા ત્રણ કિલોમીટર જેટલો તેના મૂળ સ્થાનથી આગળ વધ્યો છે.
આદિવાસી લોકો આ આંબાની પૂજા કરે છે
વાડી માલિક મોહમદ ઓશૈફ અચ્છુના કહેવા મુજબ સ્થાનિક આદિવાસી લોકો આ આંબાની પૂજા કરે છે. આંબાના પાન ડાયાબિટીસ માં જ્યારે તેની છાલ પેટના દર્દમાં દવા તરીકે કામ આવતી હૉય સ્થાનિક લોકો અવારનવાર તે લેવા આવે છે. કેરીની સિઝન દરમ્યાન આ વૃક્ષ પર બેસતી કેરીઓ પાક્યા પછી અન્ય આંબા ની કેરી કરતા વધુ મીઠાસ વાળી છે. પાકેલી કેરી બે દિવસથી વધુ ટકતી નથી પરંતુ જ્યારે કેરીની સિઝન આવે છે ત્યારે આસપાસના અનેક લોકો આ કેરી ખરીદવા આવે છે. આસપાસના વિસ્તારમાં તે ચાલતો આંબો તરીકે જાણીતો બન્યો હોય કેટલાય લોકો દૂરદૂરથી અહીં તેને જોવા આવે છે.
સામાજિક વનીકરણ વિભાગે ફેંસિંગ કરી તેની ખાસિયત અંગે એક બોર્ડ મૂક્યું
વર્ષોજુના આ આંબાના વૃક્ષની ખાસિયત એવી છે કે, તેનું થડ અમુક વર્ષો પછી સુકાય જાય છે. જ્યારે તેની એકાદ ડાળ જમીન તરફ નમી થડનું સ્વરૂપ પામે છે. જ્યારે મૂળ થડ સુકાય જાય છે. જો કે તેની આ ક્રિયા દાયકાઓના અંતે બને છે. હાલમાં છેલ્લા ત્રીસેક વર્ષમાં પણ આવું બન્યું છે. આંબાની આ ખાસિયત અંગે સરકારે તેને હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તે અંગે વિશેષ સંશોધન પણ હાથ ધર્યું હતું. જો કે તેનો નિષ્કર્ષ હજુ આવ્યો નથી. હાલ આ વૃક્ષ ફરતે સામાજિક વનીકરણ વિભાગે ફેંસિંગ કરી તેની ખાસિયત અંગે એક બોર્ડ મૂક્યું છે. અવારનવાર તેનું નિરીક્ષણ કરવા અધિકારીઓ આવતા રહે છે.
300 જેટલી કલમ તૈયાર કરવાનો પ્રયાસ
વર્ષોથી ચાલતા આંબા તરીકે અને 2011થી હેરિટેજ વૃક્ષ તરીકે માન્યતા ધરાવતા આંબા ને વાડી માલિક દ્વારા ક્યારેય કોઈ પણ પ્રકારનું ખાતર કે પાણી આપી માવજત કરવામાં આવતી નથી તેમ છતાં તે આજે પણ લીલોછમ છે. તેના પર આવતી કેરીઓની ગોટલીઓમાંથી ભૂતકાળમાં 300 જેટલી કલમ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રયાસ પણ સફળ થયો નથી. આંબા પર અન્ય આંબાની જેમ વાતાવરણની અસર જરૂર વર્તાય છે. પરંતુ તેમ છતાં તે આજે પણ અડીખમ છે. આ વર્ષે પણ તેના પર કેરીઓ બેસી છે.
આંબાને હેરિટેજ વૃક્ષની યાદીમાં સામેલ કર્યા બાદ સંજાણને પારસીઓના આગમન અને આશરો આપનાર વતન તરીકે યાદ કરતા પારસીઓએ વાડી માલિક પાસેથી વાડી ખરીદવાની ઓફર મુકેલી જે હાલના વાડી માલિકે તે સ્વીકારી નથી. પંરતુ તેની સાથે જોડાયેલ માન્યતા અંગે સચોટ સંશોધન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે છે.
આકાશમાં વધવાની સાથે જમીનને સમાંતર આડો પણ વધ્યો
ઉલ્લેખનીય છે કે, 1400 વર્ષથી સંજાણ બંદરે ઉગેલો આંબો ઉપર આકાશમાં વધવાની સાથે જમીનને સમાંતર આડો પણ વધી રહ્યો છે. જેને સંજાણ સહિત ગુજરાતમાં ‘ચાલતો આંબો’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2011માં આ આંબાને ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સામેલ કર્યો છે. જે બાદ આ આંબો તેના મૂળ સ્થાનેથી અંદાજિત 20 ફૂટ જેટલો આગળ વધ્યો છે.
વર્ષોથી સચવાયો આંબો
75 થી 80 ફૂટનો ઘેરાવો ધરાવતો આ ચાલતો આંબો સંજાણના ખેડૂત હાજી વલિમિયા એહમદ અચ્છુની વાડીમાં છે. આ વાડી હાલ તેમના પુત્રો અબ્દુલહાફિઝ વલિમિયા અચ્છુ અને મોહમદ ઓશૈફ વલિમિયા અચ્છુ સંભાળે છે. હાલમાં આ આંબાનું મૂળ – થડ તેની વાડીમાં છે. જોકે તેની નમેલી શાખાઓ-ડાળીઓ પાડોશી અહમદ શરીફભાઇ પટેલની વાડીમાં પહોંચી ગઇ છે. આંબાની વિશિષ્ટતા નામશેષ ન થઇ જાય એ માટે કોઇ પણ જમીનમાલિક આ આંબાને જરા પણ નુકસાન પહોંચાડવાને બદલે ગૌરવની લાગણી અનુભવે છે.
બાઈટ :
મોહમદ ઓશૈફ વલિમિયા અચ્છુ, વાડી માલિક