Video ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:
https://we.tl/t-LHaIo0Kg2M
સુરત ડાયમંડ સિટીની સાથે હવે અંગદાનના સિટી તરીકે પણ જાણીતું બની રહ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી સુરત શહેરમાં વખતોવખત અંગદાન થઈ રહ્યા છે. ત્યારે હવે 61 વર્ષીય આધેડ દર્દી બ્રેઈનડેડ થતા તેમની કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું છે, જેમાં તેમની કિડનીને પોલીસની મદદથી ગ્રીન કોરિડોર થકી 261 કિલોમીટરનું અંતર માત્ર 195 મિનિટમાં કાપી અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી.
અંગદાન એ મહાદાન છે. આ કહેવત સુરતમાં સાર્થક થઈ રહી છે. સુરતના લોકોમાં અંગદાન કરવા માટે જાગૃતિ આવે તેવા હેતુથી લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે જ અનેક જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ફરી એકવાર અંગદાન કરવામાં આવ્યું છે. 61 વર્ષીય નથુભાઈ મકોડભાઈ ભીમાંણીની બંને કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું છે. નથુભાઈને તાવ અને ચક્કર આવતા હોવાની ફરિયાદ થતા વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું બ્રેઈનડેડ થયા હોવાનું નિદાન થયું હતું.
બ્રેઈનડેડ જાહેર થતા નથુભાઈના પરિવારજનોને તેમના અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા, જેથી પરિવાર સહમત થયો અને નથુભાઈના તમામ અવયવોના રિપોર્ટ શરૂ કરાયા હતા, જેમાંથી બન્ને કિડની સારી હતી તેમ જ ચક્ષુ પણ સારા હોવાથી બંનેનું દાન કરાયું હતું. નથુભાઈની કિડનીને પોલીસની મદદથી અમદાવાદની એક હોસ્પિટલમાં નિર્ધારિત સમયમાં પહોંચાડવામાં આવી હતી. આ માટે સુરતથી અમદાવાદ સુધી જેટલા પણ પોલીસ મથકની હદ આવે તે તમામ પોલીસની મદદ લઇને ગ્રીન કોરિડોર થકી 261 કિલોમીટરનું અંતર માત્ર 195 મિનિટમાં કાપી કિડની અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. નથુભાઈની આ કિડની થકી અન્યને નવજીવન મળ્યું છે. સૌ કોઈને નથુભાઈને પ્રણામ કરી તેમના શરીર ને અગ્નિદાહ આપી પંચમહાભૂતમાં વિલીન થયું હતું.